નવા 27 કેસ સાથે કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

  ઉતાર-ચડાવના દોર વચ્ચે કચ્છમાં કોરોનાનો કહેર ઓક્ટોબરના આરંભ સાથે થોડો ધીમો પડયો છે. આજે જિલ્લામાં 27 નવા કેસ નોંધાવવા સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 2309 પર પહોંચ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ડર ફેલાવનાર કોરોનાના કેસમાં આ માસના આરંભે સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે 177 નવા કેસ નોંધાયા તેની સામે 176 દર્દી સાજા થતાં જિલ્લાનો કોરોના રિકવરીરેટ સુધરીને ફરી 80 % ની નજીક પહોંચી ગયો છે. આ સપ્તાહ દરમિયાન એકિટવ કેસના આંકમાં પણ 40 જેટલો મોટો ઘટાડો થયો છે. હવે માત્ર ભુજ અને આસપાસના વિસ્તાર કોરોનાના કેન્દ્રબિંદુ બની ગયા હોય તેમ જિલ્લામાં નોંધાતા કુલ કેસના અડધાથી પણ વધુ કેસ ભુજ શહેર-તાલુકામાં નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2300ને પાર થવા પામ્યો છે. મૃત્યુઆંક 67 પર ટકેલો રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો નવા દર્દીઓ કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહેવાની બાબતને રાહતરૂપ ગણાવાઇ રહી છે. એકિટવ કેસ ઘટતાં ખાલી બેડની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કેસ ભુજ શહેર-તાલુકામાં નોંધાયા છે. આ ઉપરાંત માંડવીમાં-3, મુંદરામાં-1, અંજારમાં-7, ગાંધીધામમાં-3 કેસ નોંધાયા છે. આજે 28 દર્દીઓ સાજા થયા છે. કોરોનાયે વધુ એકનો જીવ લેતાં મૃતાંક 68 થયો છે.

– મળતી માહિતી