ભચાઉના લખાપરની 7 વર્ષીય બાળક પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર ગામના 22 વર્ષીય આરોપીની ધરપકડ

ભચાઉ તાલુકાના લખાપર ગામ ખાતે ગુમ થઇ ગયા બાદ પડોશના બંધ મકાનમાંથી 7 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇજાઓ સાથે મળેલા મૃતદેહને કારણે અનેક આશંકાઓ વચ્ચે સામખીયારી પોલીસ, SOG અને LCBએ અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે.

બાળકીનો મૃતદેહ મળતા પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સામખીયારી પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ખાનગી બાતમીને આધારે શકમંદોને પુછપરછ માટે ઉઠાવી લેવાયા હતા. જેમાં વિજય પ્રતાપભાઈ કોલી(મહાલીયા) રહે-લખાપરને ગઈકાલે હરીપર માળીયા પાસેથી પકડીને સઘન અને ઉંડાણપૂર્વકની પુછપરછ કરી હતી. તેથી ભાંગી પડેલા આરોપીએ બાળકીનું નાક, મોઢું અને ગળું દબાવી દુષ્કર્મના ઈરાદે હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.

સૂત્રો અનુસાર 7 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ તેનો મૃતદેહ પડોશના બંધ મકાનમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પોસ્માર્ટમ માટે જામનગર મોકલાયા બાદ મૃત બાળકીની અંતિમવિધિ કરાઈ હતી. આ બનાવને અંજામ આપનારા આરોપીઓને તાત્કાલિક પકડી પાડી અને કડક સજા કરવા ઉગ્ર માંગ ઉઠી હતી. જામનગરથી રિપોર્ટ આજે આવવાનો છે ત્યારે રિપોર્ટ પહેલા જ પોલીસે દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. બાળકીની મળેલી લાશ પરની ઈજાને પગલે તેની સાથે કંઈક ખોટું થયાની આશંકા હતી. જે સાચી ઠરી છે.લોકોની માંગ આવા આરોપીઓને ફાંસી આપવાની થઈ રહી છે.

-સૂત્રો અનુસાર