આંગણવાડીનાં આ કાર્યકર બહેન રોજ 18 કિલોમીટર હોડી હંકારીને ગામડામાંના પરિવારોમાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે દેવદુત સમાન સાબીત થયા છે.


મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ અલીગાટ અને દાદર ગામના લોકોને આંગણવાડીનાં કાર્યકર રેલુબહેનના રૂપમાં જાણે માનવતાનો મહાસાગર મળી ગયો હોય એવું લાગે છે. મુળ નાશિકનાં વતની રેલુબહેન કોરોના મહામારી રોગચાળાના વખતમાં અંતરિયાળ ગામડામાંના પરિવારોમાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે દેવદુત સમાન સાબીત થયા છે. તેઓ અલીગાટ અને દાદર નામના આદીવાસી ગામોના પરીવારોનાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય સેવા મળી રહે તે માટે લગભગ દરરોજ નદીમાં 18 કિલોમીટર હોડી હંકારે છે. આ સિલસિલો ગયા એપ્રિલ મહિનાથી ચાલે છે. નર્મદાને કાંઠે ઉછેર થયો હોવાથી પાણીમાં તરવું અને હોડી ચલાવવાનું તેમને સારું આવડે છે. મહારાષ્ટ્રના નંદુરબાર અને ખાનદેશ જિલ્લા ગુજરાતની સરહદ પાસે હોવાથી તેમની બોલીમાં ઘણા ગુજરાતી શબ્દો આવે છે. દરરોજ રેલુબહેન પોતાના દુ:ખ કરતા અનેક શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓને સહાય કર્યાનો આનંદ તેમના ચહેરા પર છલકાતો હોય છે. આંગણવાડીનાં કાર્યકર તરીકે નવજાત શિશુઓ અને માતાઓ તથા સગર્ભા સ્ત્રીઓનાં વજન, વૃધ્ધિ, આરોગ્યનો ખ્યાલ રાખવા અને તેમને પોષક આહાર સહિત બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ રેલુબહેનનું છે. પરંતુ તેઓ પોતાનું કામ જે નિષ્ઠા અને સમર્પિતતાથી કરે છે એ ધ્યાન આપવા બાબત છે. રેલુબહેનની ખ્યાતિ મુખ્ય પ્રધાનની કચેરી સુધી પહોંચી છે. તાજેતરમાં મુખ્ય પ્રધાન તરફથી નંદુરબાર જિલ્લા પરિષદના મુખ્ય વહીવટી અમલદારે રેલુબહેનનું સન્માન કરાયું હતુ. આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ટિવટર પર રેલુબહેનની પ્રશંસા કરતી પોસ્ટ પણ લખી હતી.
-મળતી માહિતી