નૂતન વર્ષના પ્રથમ દિવસે અંજારનાં વિકાસમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું

અંજાર ખાતે રૂ.૮.૫૨ કરોડના ખર્ચે પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનું
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું

અંજાર ખાતે રૂ. ૮.૫૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનું
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદહસ્તે ખાતમૂહૂર્ત કરાયું હતું. અંગ્રેજી નૂતન વર્ષના પ્રારંભે જ સોમવારના વરસામેડી ખાતે નવી આર.ટી.ઓ. કચેરીનો શિલાન્યાસ કરી અંજાર સહિત પૂર્વ કચ્છ પંથકમાં વિકાસકામોમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. આ તકે આયોજિત સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, લાંબા સમયથી અંજારની વિવિધ જુદી જુદી સંસ્થામાં તેમજ
નગરજનો દ્વારા પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરી, અંજાર ખાતે નિર્માણ પામે તેવી રજૂઆતો હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર નાગરિકોની રજૂઆતોને હંમેશા ધ્યાને લઇને લાગણી અને માંગણીઓની પૂર્તતા કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનોને આગામી એક વર્ષમાં લોકાર્પિત કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આગામી વર્ષમાં અંજાર શહેરનાં મુખ્ય ત્રણ પ્રકલ્પો જેવા કે વીરબાળભૂમિ, જેસલ તોરલની સમાધિનો વિકાસ તેમજ નવી આર.ટી.ઓ કચેરીનાં કામોને અગ્રતા આપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપન્ન કરવામાં આવશે તેવો મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કોલ આપ્યો હતો. સમારંભમાં ઉપસ્થિતોને સંબોધન કરતાં મંત્રીશ્રી વાસણભાઇ આહિરે અંજાર તાલુકામાં થઇ રહેલા વિકાસ કામોની વાત કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની ઘણી કચેરીઓ અંજારમાં કાર્યથી થઇ છે જેવી કે પી.જી.વી.સી.એલ. કોર્ટ, પાણી પુરવઠા વિભાગની કચેરી, આઇ.ટી.આઇ. નો સમાવેશ થાય છે. રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને ભૂકંપ બાદ કચ્છ સવાયુ કચ્છ બની રહે તે માટે અનેક પ્રયત્નો કર્યા છે. આજે તેમના પ્રયત્નોથી ફળશ્રૃતિ આપણે જોઇ શકીએ છીએ. વધુમાં ઉમેર્યું હતું કે, આપણા લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ
પટેલની સંવેદનશીલ સરકાર છેવાડાનાં માનવીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
આ તકે પ્રસંગોચિત વકતવ્ય આપતા અંજાર પ્રાંત અધિકારી ડૉ. વિમલ જોશીએ પૂર્વ કચ્છની આ નવી આર.ટી.ઓ કચેરીનું ખાતમૂહૂર્ત એ આ વિસ્તારનાં લોકો માટે નવા વર્ષની ભેટ ગણાવી હતી. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, અગ્રણીઓ સર્વશ્રી શંભુભાઇ આહિર, કાનજીભાઇ શેઠ, સંજયભાઇ દાવડા, ડેનીભાઇ શાહ, ગોપાલભાઇ માતા તેમજ મામલતદારશ્રી હીરવાણીયા, ભુજ આર.ટી.ઓશ્રી પટેલ, ગાંધીધામ આર.ટી.ઓશ્રી ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કા.ઇ.શ્રી બલદાણીયા અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.