રૂ.૬૧.૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકાર્પણ કરાયું

અંજાર તાલુકાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત દુધઇ ખાતે કુલ રૂ.૬૧.૯૦ લાખના ખર્ચે ૩ પંચાયત ઘર તેમજ ૬ આંગણવાડી કેન્દ્રોનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંજાર તાલુકાના દુધઇ, મીંદીયાળા અને ભાદ્રોઇ પંચાયત ઘરોનું કુલ રૂ.૩૩.૪૬ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુધઇ-૧, દુધઇ-૨, દુધઇ-૩, લાખાપર-૧, લાખાપર-૨ અને હિરાપર આંગણવાડી કેન્દ્રોનું રૂ.૨૮.૪૪ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ તકે અંજાર તાલુકાના દુધઇ ખાતે આયોજિત સમારોહમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, આપણા જનપ્રિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ આ વિવિધ વિકાસલક્ષી કામોની વિકાસ યાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજથી આ ગામના બધા જ કર્યો આ સુંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રજાની સેવા એજ અમારું મુખ્ય લક્ષ્ય છે. તેમણે ગ્રામજનોને કોરોના મહામારીના આ સમયમાં સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ માસ્કનો ફરજીયાત ઉપયોગ, દો ગજ કી દુરી અને હાથ સેનિટાઇઝ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અગ્રણીઓ હરિભાઇ જાટીયા, નરેન્દ્રસિંહ જાડેજા, સામજીભાઇ ડાંગર, કાનજીભાઇ શેઠ, મશરૂ રબારી, દેવશીભાઇ તેમજ અંજાર તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી.પી.ગોર, સેકસન ઓફિસર એમ.આઇ.સૈયદ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

-રિપોટર બાય: હિનલ જોશી