ઉતરાયણના તહેવાર નિમિતે જાહેરનામું જારી કરાયું
જિલ્લાના કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ
વગેરે પર એકત્રિત થવા પર પ્રતિબંધ
આગામી તા.૧૪ અને ૧૫મી જાન્યુઆરીના ઉતરાયણ તથા વાસી-ઉતરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય સમગ્ર કચ્છ જિલ્લા વિસ્તારમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (ખ), ૩૩ (૧) (ભ), ૧૧૩ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ-૩૪ થી તેમને મળેલ સતાની રૂએ ફરમાવેલ છે કે, સરકારશ્રીના ગૃહ વિભાગ, ગાંધીનગરના વંચાણવાળા હુકમથી સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં પ્રવર્તમાન કોવીડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લેતાં તા.૧૨/૧/૨૦૨૧ થી ૧૭/૧/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉતરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે. માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકાશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફલેટ/રહેણાંક સબંધિત કોઇપણ સુચનાઓનું ભંગ બદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુધ્ધ નિયમોનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક વગાડવાથી ભીડ એકત્રિત થવાની તથા સોશીયલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે.તેમજ મ્યુઝીક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ, અન્ય રોગોથી પીડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો ઘરે રહે તે સલાહભર્યુ છે. કોઇપણ વ્યકીત જાહેર જનતાની લાગણી દુભાય કે સુલેહ જાહેર શાંતિનો ભંગ થાય તેવા કોઇપણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં. નામ.સુપ્રિમ કોર્ટ/હાઈકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્ક્રાય લેન્ટર્ન, ચાઇનીંઝ તુકકલ,સ્કાય લેન્ટર્ન, સિન્થેટિક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટિક દોરી વગેરે પર પણ પ્રતિબંધ રહેશે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી વખતો વખત આપવામાં આવેલ કોવીડ-૧૯ સબંધી દિશાનિર્દેશોનો અને અત્રેના આ હુકમનો તા.૧૨/૧/૨૦૨૧ના કલાક ૦૦.૦૦ થી તા.૧૭/૧/૨૦૨૧ના કલાક ૨૪.૦૦ વાગ્યા સુધી સમગ્ર કચ્છ જિલ્લા વિસ્તારમાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા જી.પી.એકટની કલમ-૧૩૧, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની જોગાવઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.