નોકરીની શોધમાં ઘરેથી નીકળેલી ત્રણ સગીરાઓ દિલ્હીથી હેમખેમ મળી,પોલીસે કરાવ્યું પરિવાર સાથે મિલન

આર્થિક ભીંસ અને બેરોજગારીના કારણે રાતોરાત પૈસાદાર બનવાના સપના સાથે ઘરેથી નીકળી ગયેલી ભુજની ત્રણ સગીરાઓને પોલીસે દિલ્હીથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.૧ફેબ્રુઆરીના રોજ ભુજમાં અડોશ-પડોશમાં રહેતી ત્રણ સગીર બહેનપણીઓ નોકરીની શોધમાં કોઈને પણ કીધા વગર ઘરેથી નીકળી ગઈ હતી.પરિવારે જાણ કરતાં ભુજ એ-ડિવિઝન પોલીસના પી.આઈ. એ.એમ. પટેલે ટીમ બનાવી CCTV અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક સગીરાએ તેના પરિચિત પાસેથી Google Pay દ્વારા ₹1,000 મગાવ્યા હતા.આ નંબર ટ્રેસ કરતાં તેનું લોકેશન દિલ્હી હોવાનું બતાવ્યું હતું.ભુજ પોલીસે તુરંત દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને ૨ ફેબ્રુઆરીના રોજ ત્રણેય સગીરાઓને દિલ્હી રેલવે સ્ટેશનેથી સુરક્ષિત રીતે શોધી.તમામ કાયદાકીય કાર્યવાહી હાથધરી અને સગીરાઓને તેમના વાલીઓને સોંપવામાં આવી છે.આ સફળ કામગીરીમાં એ-ડિવિઝન પોલીસના આશિષભાઈ ઝાલા, ભરતજી ઠાકોર અને અન્ય કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.