અંજારના હત્યાની કોશિષ-રાયોટીંગના ગુનામાં ફરાર ઇમ્તિયાઝ, સદામ, જાકીર, ફૈઝુ રાજકોટમાં પકડાયા
તેર દિવસ પહેલા કચ્છના અંજાર પોલીસ સ્ટેશન હેઠળના દેવળીયા નાકા વિસ્તારમાં બે વ્યકિત પર છરી, ટોમી, લાકડીથી કુલ ૧૧ શખ્સોએ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ફરાર એવા ૪ શખ્સો રાજકોટ તરફ સામા કાંઠે હોવાની પાક્કી બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે નંબર વગરની ક્રેટા ગાડી સાથે પકડી લઇ અંજાર પોલીસને જાણ કરી છે.
અંજારમાં નોંધાયેલા આઇપીસી ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૩, ૩૨૪, ૧૧૪, ૧૩૫ મુજબના ગુનામાં ચાર આરોપી ફરાર હોઇ તે નંબર વગરની કાળા રંગની ક્રેટા કારમાં પેડક રોડ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ જાડેજા તથા એએસઆઇ જયેશભાઇ નિમાવત તથા ચેતનસિંહ ચુડાસમાને મળતાં પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા સહિતે ત્યાં પહોંચી તપાસ કરતાં પેડક રોડ બાલક હનુમાન ચોક પાસેથી બાતમી મુજબની કાર નીકળતાં અટકાવી અંદર બેઠેલા ચાર શખ્સોની પુછતાછ કરતાં ચારેય હત્યાની કોશિષ, રાયોટના ગુનાના આરોપી હોવાનું ખુલ્યું હતું.
આ શખ્સોએ પોતાના નામ ઇમ્તિયાઝ ઓસમાણભાઇ જત (ઉ.૩૧-રહે. વીડી ગામ તા. અંજાર), સદામ કાસમભાઇ જત (ઉ.૨૮-રહે. વીડી), જાકીર કાસમભાઇ જત (ઉ.૨૪-રહે. વીડી) તથા ફૈઝાન ઉર્ફ ફૈઝુ ઉમરભાઇ જત (ઉ.૨૪-રહે. વીડી) જણાવ્યા હતાં. આ ચારેય ફુલનો ધંધો કરે છે. ક્રાઇમ બ્રાંચે ચારેયને સકંજામાં લઇ અંજાર પોલીસને સોંપવા તજવીજ કરી હતી. દસ લાખની કાર પણ કબ્જે કરાઇ હતી.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, ભરતસિંહ પરમાર અને જેને બાતમી મળી એ કર્મચારીઓએ આ કાર્યવાહી કરી હતી.