જોટાણા તા.પં.માંથી ચેક ચોરનાર સહિત બે ઝબ્બે

1ee4450633ca79e4c71223921102a7f1a3e8e99e5ae765bab945f64d9bd46b83

મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકા પંચાયતમાંથી ચોરાયેલા ૧૦ ચેક પૈકી એક ચેકમાં ટીડીઓની ખોટી સહી કરી રૂ.૨,૧૯,૬૦૦ની રકમ મહાલક્ષ્‍મી માર્બલ નામની પેઢીના એકાઉન્ટમાં જમા કરવાના ગુનામાં મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અને સાંથલ પોલીસે તાલુકા પંચાયતના આઉટ સોર્સિંગ કર્મચારી સહિત બે શખ્સોને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.જોટાણા તા. પં.ની વિવિધ શાખાઓની યોજનાઓ પૈકી સ્વચ્છ ભારત મિશન યોજનાના NARSSના ખાતામાંથી રૂ.૨,૧૯,૬૦૦ મહાલક્ષ્‍મી માર્બલમાં ચેકથી ડેબિટ થયેલાની એન્ટ્રી ગત ૨ ફેબ્રુઆરીએ નાયબ હિશાબનીશના ધ્યાનમાં આવી હતી. આ બાબતે ટીડીઓ એસ.ડી.શાહને જાણ કરતાં તાલુકા પંચાયતની વિવિધ શાખાઓની યોજનાઓની ચેકબુકોની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આઈઆરડી શાખાના એકાઉન્ટના કુલ પાંચ ચેક ચોરી થયેલાનું તેમજ સ્વચ્છ ભારત મિશનના બીજા એકાઉન્ટની ચેકબુકમાંથી ત્રણ ચેક તથા નિર્મલ ગુજરાત યોજના એકાઉન્ટના બે ચેક મળી કુલ ૧૦ ચેકની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારીએ ખાતાકીય તપાસ સોંપી હતી. તો બીજી તરફ સાંથલ પોલીસને જાણ કરાતાં મહેસાણા એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઈ ડી.એન.વાંઝા, સાંથલ પીએસઆઈ એમ.એન.રાઠોડ સહિત સ્ટાફે જોટાણા તાલુકા પંચાયતમાં કામ કરતા માણસોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ ચેકોની ચોરી જોટાણા તાલુકા પંચાયતમાં છેલ્લા અઢી વર્ષથી આઉટ સોર્સિંગથી TLE (તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ) તરીકે કામ કરતા પઠાણ અબ્દુલખાન જહીરખાન (રહે.મંડાલી, તા.જિ.મહેસાણા)એ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલખાનની પૂછપરછ કરતાં તા.૧૮-૧૨-૨૦ના રોજ તાલુકા પંચાયતની ઓફિસમાંથી તેણે ૧૦ ચેકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.ચેક ચોરી કર્યા બાદ તેણે ડમી સીમકાર્ડ મેળવી ચોરી કરેલા ચેક બેન્કમાં જમા કરાવવા અલગ અલગ માણસોનો સંપર્ક કર્યો હતો. જેમાં તા.૧૮-૦૧-૨૦૨૧ના રોજ નંદાસણની મહાલક્ષ્‍મી ટ્રેડર્સના પટેલ નરેન્દ્રભાઈ ઉર્ફે બકાભાઈ ડાહ્યાભાઈ (ગાર્ડનવિલા, કડી)નો સંપર્ક કરી એકાઉન્ટ નંબર મેળવી આઈ.આર.ડી. શાખાનો એક ચેક ટીડીઓની ખોટી સહી કરી રૂ.૨,૧૯,૬૦૦ની રકમ ભરી શાહજાદા મહંમદકાજીમ અબ્દુલરસીદ (રહે.મંડાલી કસ્બા) મારફતે જોટાણા બેન્કમાં જમા કરાવ્યો હતો.પોલીસે આરોપી અબ્દુલખાન પઠાણની કરેલી સઘન પૂછપરછમાં તેણે ચેકો ચોરી કર્યાની કબૂલાતની સાથે સાથે આઈ.આર.ડી. શાખાનો એક ચેક ટીડીઓની ખોટી સહી કરી રૂ.૨,૧૯,૬૦૦ની રકમ ભરી શાહજાદા મહંમદકાજીમ મારફતે મહાલક્ષ્‍મી ટ્રેડર્સના ખાતામાં જમા કરાવ્યો હતો. જેમાંથી ટ્રેડર્સના માલિક નરેન્દ્રભાઈએ જીએસટીના રૂ.૩૩,૫૦૦ કાપી લઈને બાકીના રૂ.૧,૮૬,૧૦૦ પઠાણ અબ્દુલખાનને આપ્યા હોવાની તેણએ કબૂલાત કરી હતી.