યમુના એક્સપ્રેસ વે ઉપર બેકાબૂ બનેલું ટેન્કર ડિવાઈડર તોડી કાર પર પલટી ગયું: 7ના મોત

e3c8d142717861c0df7e960b69173f23637f28df3fd10fc22c656eb6e7eb5686

યમુના એક્સપ્રેસ વે પર એકવાર ફરીથી દર્દનાક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી ગયું. આ અકસ્માત માં 7 લોકોના મોત થયા છે. અકસ્માત મથુરા પોલીસ સ્ટેશનના નૌહઝીલ ચોકી હદ વિસ્તારના માઈલ સ્ટોન 68 નજીક થયો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, એક્સપ્રેસ વે કર્મીઓ સહિત બચાવ ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.


યમુના એક્સપ્રેસ વે પર મોડી રાતે ટેન્કર નોઈડા તરફથી આવી રહ્યું હતું ત્યારે બેકાબૂ બની ડિવાઈડર તોડીને આગ્રાથી નોઈડા તરફ જતા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થતી ઈનોવા કાર પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પડતા જ કારમાં સવાર 7 લોકોના મોત નિપજ્યા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા.

આ અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર જીંદના સફીદો ગામના રહીશ 45 વર્ષના મનોજ, પત્ની બબિતા (40), પુત્ર અભય (16), અને હેમંતની સાથે સાથે મોહલ્લામાં રહેતા મનોજના સંબંધી, 10 વર્ષની કન્નૂ અને તેની 14 વર્ષની બહેન હિમાદ્રી તથા ડ્રાઈવર રાકેશનું મોત નિપજ્યું હતું.