કચ્છના મુન્દ્રામાં ભાઈએ છરીના ઘા ઝીંકી બહેનની કરી હત્યા

કચ્છના મુન્દ્રા મધ્યે ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં હત્યાનો આ બનાવ હતો. જેમાં ભાઈએ જ તેની બહેનને છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા નિપજાવી હતી. પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી રીનાબા નારૂભા રાઠોડને તેના ભાઈ પ્રેમસંગ નારૂભા રાઠોડે છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યાના આ બનાવ બાદ તુરંત જ આસપાસના કોઈ સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે જોવા મળે છે આ બનાવની મુંદરા પોલીસને થતાં જ પીએસઆઈસહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આરોપીને ઘટના સ્થળેથી રાઉન્ડઅપ કરીને હતભાગી યુવતીના મૃતદેહને પોલીસે પી.એમ. માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. તેમજ ઘટના સ્થળે પંચનામું કરવા સહિત વિધિવત ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.