ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ આવશ્યકતા નથી: વિજય રૂપાણી

મળતી માહિતી મુજબ/ દેશના અનેક રાજયો કોરોનાના સંક્રમણની કડી તોડવા માટે પૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો લાદી રહ્યા છે અને ગુજરાતમાંથી પણ રાજકોટ સહીતના મહાનગરોના વ્યાપારી સંગઠનો આ અધકચરા લોકડાઉનની કોરોનાની કડી તૂટતી નથી પણ વ્યાપારી ધંધા રૂંદાઈ રહ્યા છે તેથી સરકારે કાં તો પૂર્ણ લોકડાઉન લાદવું જોઈએ અથવા તો હાલના નિયંત્રણો ઉઠાવી લેવા જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે તે સંદર્ભના એક પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ આવશ્યકતા નથી. આમ વ્યાપાર, ઉદ્યોગને ફરી એક વખત નિરાશા સાપડે તેવા સંકેત મુખ્યમંત્રીએ આપી દીધા હતા. રાજયમાં વેકસીનેશનના ચાલી રહેલા કાર્યક્રમમાં અનેક શહેરોમાં વેકસીનેશનની અછત અને 45 વર્ષથી ઉપરની વયના લોકોને અપાતા વેકસીનેશન કાર્યક્રમમાં ‘ગેપ’ પડી રહ્યો છે. તે અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી રૂપાણીએ કહ્યું કે તા.15 મેથી રાજય માટે 11 લાખ નવા ડોઝ આવશે. રાજય સરકાર સ્પુતનીક વેકસીન માટે પણ ઓર્ડર આપ્યો છે.


કેન્દ્ર તરફથી વેકસીન સહિતના મુદે રાજયને તમામ મદદ આપવામાં આવી રહી છે. રાજયમાં મેડીકલ સ્ટાફ સહિતની કોઈ અછત ન રહે તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં સંક્રમણને રોકવા વેકસીનેશન સહિતના પગલા લેવાઈ રહ્યા છે.ગામડાઓને સલામત રાખવા સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી રૂપાણીએ આજે કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય અને સારવાર વિ. અંગે ગ્રામીણ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.