ઉપલેટાની ખાનગી હોસ્પીટલના ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ

ધોરાજી-ઉપલેટા નેશનલ હાઇવે પરથી મળી આવેલ મેડીકલ વેસ્ટના જથ્થા બાદ ચાલી રહેલી તપાસમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેતપુર દ્વારા ઉપલેટાની ખાનગી હોસ્પીટલના ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાતા ડોકટરો તેમજ આ પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બે દિવસ પૂર્વે ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે પર સુપેડી પાસે આવેલ રાયધરાના પુલ પાસેથી મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા આસપાસના વિસ્તારોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો જે બાદ ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મેડિકલ વેસ્ટની તપાસ કરવામાં આવી હતી જે બાદ આ અંગેની વધુ તપાસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેતપુર દ્વારા ચલાવવામાં આવેક ત્યારે આ તપાસમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ઉપલેટાની ખ્યાતનામ અને ખાનગી હોસ્પિટલ એવી શિવ હોસ્પિટલના એમ.એસ. ઓર્થો તબિબ ડોક્ટર જયેશ પાઘડારનો હોવાનું સામે આવ્યું હતું જે બાદ જેતપુર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ સમગ્ર બાબત અંગે ધોરાજી પોલીસ મથકમાં ઉપલેટાના ખ્યાતનામ તબીબ ડોક્ટર જયેશ પાઘડાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નોંધાવાયેલ ફરિયાદ બાદ ઉપલેટાના ડોક્ટર જયેશ પાઘડાર દ્વારા મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ અમારા નામનો મેડિકલ વેસ્ટ કોણ અને કેવી રીતે ફેંકી ગયું છે તે પણ અમારા માટે ચિંતાનો વિષય છે. ઉપરાંત તબીબ દ્વારા વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમારા તરફથી આવી કોઇપણ પ્રકારની બેદરકારી નથી દાખવેલ અને તેમના હોસ્પિટલ માંથી નીકળેલો મેડિકલ વેસ્ટનો જથ્થો તેઓ કાયદા અનુસાર મોકલે છે અને તેમની ચુકવણી પણ કરે છે તેવું જણાવ્યું હતું ત્યારે તેમના દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કોઈએ જાણી જોઈને તેમનો મેડિકલ વેસ્ટ ત્યાં નાખી ગયું છે અને તમને બદનામ કરવા માટે આવા પ્રયાસો કરે છે તેવું જણાવ્યું હતું.
મેડીકલ વેસ્ટના મળી આવેલ જથ્થામાં ઉપલેટાના ખાનગી તબીબ જયેશ પાઘડારનું નામ ખૂલ્યું છે ત્યારે ખાનગી તબીબે પણ આક્ષેપ કર્યો છે કે આ તેમને બદનામ કરવા માટે આ કામગીરી કરવામાં આવી છે સાથે એવું પણ જણાવેલ છે કે જો આમાં હું ગુન્હેગાર સાબિત થાવ તો સજા કે દંડ ભરવા પણ તૈયાર છું અને જો નિર્દોષ સાબિત થઈશ તો હું પણ સામે બદનામી બદલ લીગલ પગલા લેવા તૈયાર છું ત્યારે હાલ તો આ અંગે હજુ પણ વધુ તપાસ શરૂ છે પરંતુ ઉપલેટાના ડોક્ટર જયેશ પાઘડાર વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઉપલેટા તેમજ ધોરાજી પંથકના તબીબોમાં અને આ પંથકના લોકોમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે અને ખરેખર આના માટે કોણ જવાબદાર છે તે પણ આવનારા દિવસોમાં વધુ તપાસ થશે ત્યારે જ ખ્યાલ આવશે.
રિપોર્ટ બાય :-જયેશ મારડિયા ઉપલેટા