રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનસીઓ લેવાનું રહેશે નહી. આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનસીઓ કરી શકશે. બી.યુ. પરમીશન ન હોય પરંતુ ફાયર એનસીઓની જોગવાઇઓની સંપૂર્ણ થતી હોય તો ફાયર એનસીઓ આપવા માટે બી.યુ. પરમીશન ફરજિયાત રહેશે નહી તેવું નિર્ણય લેવામાં આવ્યું છે. શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર એનસીઓ જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશે. હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ ૧૪ ફાયર રિજિયન કાર્યરત થશે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામકશ્રી અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર એનસીઓ આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એનસીઓ આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર એનસીઓ લોકોને ત્વરાએ મળી શકશે. આ ફાયર રિજિયનના ફાયર ઓફિસરોએ આઇ.એ.એસ. કક્ષાના સિનિયર ઓફિસરો જે તે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે તેમના નિયંત્રણ હેઠળ ફરજો બજાવવાની રહેશે. વિજયભાઇ રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર એનસીઓ આપવાની કામગીરી કરશે.