આદિપુરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતી પકડાયું
 
                
દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા ચિંતાજનક રીતે વધી જવા પામી છે.સીમાવર્તી કચ્છના આદિપુર-ગાંધીધામ સંકુલમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ભૂતકાળમાં અનેકવખત પકડાઈ ચુક્યા છે ત્યારે આદિપુરમાં બે મહિના અગાઉ રહેણાક વિસ્તારમાં હંગામો કરનારા દંપતીની પોલીસ દ્વારા બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરતા તેની કાયદાકીય પ્રક્રિયા પુર્ણ થતા ફોરેનર્સ એક્ટ તળે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
આદિપુરમાં સ્પેશીયલ ઓપરેશન ગૃપ દ્વારા મહંમદ અલામીન મહંમદ સુકુર શેખ (ઉ.વ.32) અને રોની ઉર્ફે પ્રીયા મહંમદ અલામીન શેખ (ઉ.વ.33) (રહે.શિવરણા, મુંબઈ,મુળ નોડાઈ, બાંગ્લાદેશ) વિરુદ્ધ આઈપીઆર તથા ફોરેનર્સ એક્ટ તળે ગુનો નોંધતા જણાવ્યું હતું કે ઘૂસણખોરોએ ગેરકાયદેસર રીતે પાસપોર્ટ, વિઝા વગર બાંગ્લાદેશથી ભારતમાં અનઅધિકૃત રીતે આવી પહોંચ્યા હતા.તેમની પાસે રહેલા ત્રણ ફોન,એક કાર્ડ મળીને કુલ 8 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો. ગત 19 જુલાઈના આદિપુરની નવી પંદર વાળી વિસ્તારમાં આરોપી દંપતિ વચ્ચે ઝઘડો થતા મામલો બીચક્યો હતો અને પતિએ પોતાના ઘરમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યા બાદ આસપાસના રહેવાસીઓની સલામતી જોખમાય તેમ બહાર આગ લગાવી કાપડના સળગતા ટુકડા ફેંક્યા હતા.
મોટા પાયેલા થયેલા હંગામા બાદ સ્થળ પર પોલીસે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. દરમ્યાન આ દંપતીની નાગરીકતા પર શક જતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. બે મહિના સુધી પ્રક્રિયા અનુસાર તમામ એજન્સીઓએ પુછપરછ કરતા તેઓ બાંગ્લાદેશી હોવાનું સાબીત થતા ફોરેનર્સ એક્ટ તળે કાર્યવાહી કરાઈ હતી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ દેશની આર્થિક રાજધાની મુંબઈના ડાન્સબારમાં કામ કરતા હતા.કોરોના મહામારીને લીધે આપવામાં આવેલા લોકડાઉનમાં તે બંધ થઈ જતા ગુજરાતના સ્પામાં નોકરી કરવા માટે આવી પહોંચ્યા હતા.
 
                                         
                                        