રાજકોટની સત્કાર હોસ્પિટલમાં 3.75 લાખની ચોરી

શહેરના નવા બસ પોર્ટ પાછળ કનક રોડ પર આવેલી સત્કાર હોસ્પિટલમાં રૂ.3.75 લાખની ચોરી થઇ છે. આરોપીએ હોસ્પિટલમાં ઘુસી ડોકટરની ચેમ્બરમાં રાખેલા રોકડા રૂપિયા ચોરી કરી હોસ્પિટલના સીસીટીવીનું ડીવીઆર સંડાસના પોંખરામાં નાખી દીધું હતું. ડોકટરની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. શકમંદ શકંજામાં હોવાનું પણ જાણવા મળે છે.

યુનિવર્સિટી રોડ પર શિવધામ સોસાયટીમાં રહેતા અને સત્કાર હોસ્પિટલના ડોકટર અમર જગદીશભાઈ કાનાબાર (ઉ.વ.29)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.20/7/2021 ના રોજ સવારના બાર વાગ્યા આસપાસ હું અમારી હોસ્પિટલે પહેલા માળે હતો ત્યારે અમારી હોસ્પિટલમાં હોમ – કેરના જુના પેમેન્ટનાં રૂ.3,75,000 રોકડા આવેલ હોય જે અમારી હોસ્પીટલ સત્કા2 કોવિડ નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા જીજ્ઞાબેન ઝાલાને મારી ચેમ્બરમાં આવેલ મારા ટેબલનાં ખાનામાં મુકવા માટે કહ્યું અને મારે આ રૂપિયાનું સાંજે અલગ – અલગ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય પરંતુ હું અન્ય કામમાં રોકાયેલો હોય જેથી હું આ પેમેન્ટ કરી ન શકયો, અને બાદમાં એક દીવસ બાદ એટલે કે તા.22/7/2021 ના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં અમારી હોસ્પિટલના સ્વીપર સ્ટાફ મીનાબેન સાફ – સફાઈ કરતા હતા. તે વખતે બાથરૂમમાંથી એ મારી હોસ્પિટલના સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. કે જેમાં રેકોડીંગનો સંગ્રહ થતો હોય તે સંડાસના પોખરમાં પાણીમાં પડેલું હોય તેમ જોવામાં આવતા આ મીનાબેને તુંરત જ રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલા તેજશ ગોસ્વામીને આ વિશે વાત કરતા તેઓએ તાત્કાલીક મને ફોન કરી બોલાવ્યો હતા. જેથી હું નીચે આવી જતા ડી.વી.આર. આખું પલળી ગયું હોય અને ખરાબ થઈ ગયું હોય, તાત્કાલીક અમારી હોસ્પીટલના આઈ.સી.યુ. રૂમ ચેક કરતા ત્યાં બધુ બરાબર હોય જેથી બાદમાં મને મારી ચેમ્બરમાં રાખેલ ખાનામાં હોમ – કેરના આવેલા પેમેન્ટ રૂ.3,75 ,000 યાદ આવતા તુરંત જ અમારી ચેમ્બરમાં જઈ ખાનામાં જોતા આ રૂપિયા 3,75,000 જોવામાં આવ્યા નહોતા. જેથી અમો એ અમારા હોસ્પિટલના સ્ટાફને બોલાવી આ રૂપિયા બાબતે પુછતા કોઈને આ વિશે ખ્યાલ ન હોય જેથી આજદીન સુધી અમારી રીતે તપાસ કરતા હતા અને આ બનાવ ચોરીનો હોય જેથી પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. એ.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી શકમંદને પૂછપરછ માટે સકંજામાં લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.