ભુજમાં એક ચાયની કેબીનમાં ગાંજો વેંચતા શખ્સને ઝડપી પાડ્યો

કચ્છમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભુજ શહેરના રીલાયન્સ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફ જતા માર્ગ પરની એક ચાયની કેબીન પર ગાંજો વેંચતા શખ્સને ઝડપી પાડ્યો પૂર્વ બાતમીના આધારે પોલીસ કર્મચારી ડમી ગ્રાહક બની ગાંજો લેવા ગયા હતા, મુળ સુરેન્દ્રનગરના શખ્સે પડીકી હાથમાં આપતા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ભુજ શહેર યુવા ભાજપના મંત્રી મહાદેવ ભારથી ગોસ્વામીએ આ અડધો કિલો ગાંજો ચાયની કેબીન ચલાવતા યુવાનને વેંચવા માટે આપ્યો હોવાની કેફીયત આપતાં પોલીસ ચોંકી ઉઠી છે.રીલાયન્સ સર્કલથી ડાબી તરફ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માર્ગ પર ચા-બીડીની કેબીન પર ગાંજાનું વેંચાણ થઇ રહ્યું હોવાની એસઓજીને પૂર્વ બાતમી મળી હતી.હર્ષદ ઉર્ફે ચીનો જેન્તીલાલ રાઠોડ (રહે. મુળ સુરેન્દ્રનગર હાલ રઘુવંશી નગર, ભુજ)વાળાએ ડમી ગ્રાહક તરીકે આવેલા પોલીસ કર્મચારીને પડીકી આપતા જ અન્ય પોલીસ કર્મચારીઓએ તેને ઝડપી લીધો હતો. હર્ષદ રાઠોડ પાસેથી અડધો કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 5 હજાર તેમજ એક મોબાઇલ ફોન કિંમત 5000 અને રોકડા 500 મળી કુલ 10,500નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ જથ્થો મહાદેવ ભારથી જયેશ ભારથી (રહે. કેમ્પ વિસ્તાર,ભુજ)એ વેંચાણ અર્થે આપ્યો હોવાની કેફીયત આપી હતી. પોલીસે બંને સામે એકબીજાને મદદગારી કરી વેંચાણ અર્થે ગાંજાનો જથ્થો રાખવા બદલ એન.ડી.પી.એસ.નો ગુનો દર્જ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, બે મહિના પૂર્વે ભાજપની નવી કારોબારીની રચનામાં શહેર યુવા ભાજપના મંત્રી તરીકે નિયુક્ત થયેલા મહાદેવ ભારથી ગોસ્વામીએ આ જથ્થો આપ્યો હોવાની કેફીયત આપતા કચ્છના સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. મહાદેવ ભારથીના પિતા ભાજપના કાર્યકર જયેશ હસમુખ ભારથીએ પોતાના ઘરની બહાર ગટરમાં સંતાડેલો 3000 રૂપિયાનો શરાબ પોલીસે પકડયો હતો. જયેશભારથીના માતા હેમલતાબેન ભાજપના માજી નગરસેવિકા છે.તો ખુદ જયેશભારથી ભુજ શહેર ભાજપના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. અગાઉ અનેક વખત દારૂના અલગ ગુનાઓમાં પકડાઇ ચુકયા છે તો ભુજ તાલુકાના એક ગામમાં જુગાર ચલાવતા તેમજ પોતાના ઘરમાં જુગાર રમાડતા અગાઉ પકડાઇ ચૂકયા છે.