આર્થિક ભીંસથી કંટાળી જૂનાગઢના યુવાને પોતાના ગળે છરી મારી લીધી

જૂનાગઢના યુવાને આર્થિક ભીંસથી કંટાળી પોતાના સસરાના ઘરે હતો ત્યારે પોતાના ગળા પર જ છરી મારી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મળતી વિગત મુજબ જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સીંધીપરામાં રહેતો અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હુસેન આસમભાઇ સમા (ઉ.વ.42) ગઇકાલે સવારે 11 વાગ્યે માળીયાહાટીના નજીક આવેલા જળકા ગામે પોતાના સસરાના ઘરે હતો ત્યારે પોતાના હાથે જ પોતાના ગળા પર છરી મારી લીધી હતી. જેથી તેને લોહી લુહાણ હાલતમાં પ્રથમ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસે હુશેન અને તેના પરિવારજનોનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જેમાં જાણવા મળેલી પ્રાથમિક માહિતી મુજબ હુસેનભાઇને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો છે. લાંબા સમયથી હુસેન આર્થિક ભીંસમાં હોય જેથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.