જિલ્લા કલેકટરપ્રવિણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને વર્તમાન સ્થિતિ અંગે તૈયારી અને તાગ મેળવતી વિડીયો કોન્ફરન્સ યોજાઈ

ભુજ, ગુરૂવાર,

રાજ્ય અને કચ્છમાં આગામી બે દિવસો માટે હવામાન વિભાગની ભારે વરસાદની અને વાવાઝોડાની સંભવિત આગાહીના પગલે આજરોજ કલેકટર પ્રવિણા ડી. કે. એ વીડિયો કોન્ફરન્સથી વર્તમાન હવામાન પરિસ્થિતનો તાગ મેળવી તેની તૈયારીઓ અંગે સૂચનો કર્યા હતા. જિલ્લામાં વરસેલા વરસાદમાં અસરગ્રસ્ત તાલુકા, ગામો, વિસ્તારોની વર્તમાન સ્થિતિ અને સંભવિત ભારે વરસાદમાં પૂર્વ તૈયારી માટે તાલુકાના પ્રાંત અને લાયઝન અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની પૂર્વ તૈયારીની વિગતો મેળવી હતી. માંડવીના પ્રાંત અધિકારી  કે.જી.ચૌધરીએ પૂર્વ તૈયારી અને વર્તમાન સ્થિતિ જણાવી હતી. અબડાસા નલિયાના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતે પણ જખૌ બંદરની સ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો બાબતે વિગતો જણાવી જરૂર પડે સલામતીની તૈયારી બાબતે પણ માહિતી આપી હતી. ભચાઉ પ્રાંત જાડેજાએ લો-લાઈન એરિયાના ૧૧ ગામો તેમજ સામખીયાળી વિસ્તારો માટેની ખાસ તકેદારી બાબતે જાણ કરી હતી. મુન્દ્રામાં ૭૭ બોટ પાછી ફરી છે તેમજ ભદ્રેશ્વર-કુકરસરમાં સાવચેતી અને સલામતીની પૂર્વ સજ્જતા અંગે માહિતી આપી હતી. નખત્રાણાથી  મેહુલ બરાસરાએ સ્થાળાંતર અને આશ્રય માટે સ્થાનિક સંસ્થાઓ વગેરેના સંકલન અને ૧૪ સંભવિત અસરગ્રસ્ત થાય તેવા ગામોને સતર્ક કર્યાની વિગતો આપી હતી. લખપતથી ડો.રીના ચૌધરીએ દરિયાકાંઠાના નિચાણવાળા ૧૦ ગામ માટે ૧૦ આશ્રયસ્થાનોની તૈયારી અને સંભવિત ૩૬૦૦ અસરગ્રસ્ત લોકો માટેની સજ્જતા અંગે માહિતી આપી હતી. રાપરથી જય રાવલે ૧૫ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં સલામતી સાવચેતી અને સજ્જતા અંગે રજૂઆત કરી હતી. અંજારમાંથી ડો.વી કે જોશીએ દરિયા કાંઠાના ૭ ગામોને એલર્ટ તેમજ તળાવોની વિગતો આપી હતી. કલેકટર ટપ્પર અને શિણાય ડેમ માટે વિગતો અને તૈયારી માટે પૃચ્છા કરી હતી. કંડલા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ છે તેમજ ત્યાંના તંત્રના સંપર્કમાં રહી ગાંધીધામ વહીવટીતંત્ર સલામતી અમલીકરણના પગલાં લઈ રહી છે તેમજ ટોકન આપેલ ૫૦ બોટ પરત ફરી પાછી ફરી છે તેમ ગાંધીધામના લાયઝન અધિકારીશ્રી કલ્પેશ કોરડીયાએ જણાવ્યું હતું. ભુજ પ્રાંત અતિરાગ ચપલોતે ખાવડા, બન્ની વિસ્તાર અને ભુજ સીટીમાં પૂર્વ તૈયારી તેમજ સજ્જતા બાબતે જાણકારી આપી હતી. કલેકટરએ જિલ્લાના ડેમ, તળાવો અને દરિયાકાંઠાની સ્થિતિનો તાગ મેળવી જરૂરી તમામ પગલાં ભરવા માર્ગદર્શન આપી તા.૨જી ઓકટોબર ૨૦૨૧ સુધી માછીમારી પર પ્રતિબંધ અંગે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ, આર.એન્ડ.બી સ્ટેટ કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા, આર.એન્ડ.બી પંચાયત ઠાકોર, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, ભુજ નગરપાલિકા મુખ્ય અધિકારી  મનોજ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડ તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.