ગાંધીધામમાં ડમ્પરમાંથી 3.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


કચ્છના ગાંધીધામ સંકુલની નજીક આવેલા ગળપાદર પાસે આવેલી બાગેશ્વરી પાર્મ સોસાયટીના મેદાનમાં ડમ્પરમા રાખેલો રૂ.3.13 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટુકડીએ પાડેલા દરોડામાં જપ્ત કરી લેવામાં આવ્યો હતો પરંતુ મુખ્ય આરોપી અને ડમ્પરનો ચાલક બન્ને ફરાર થઇ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે ટીમ ગળપાદર માર્ગ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને મળેલી બાતમી અનુસાર બાગેશ્વરી પાર્મ સોસાયટીમાં રહેતો લીસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત પોતાની હવેલીની સામે આવેલા મેદાનમાં આઇવા ડમ્પર ઉભું રાખ્યું છે જેમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલો હતો.ત્યાં દરોડો પાડી રૂ. 1,66,250 ની કીંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની 750 એમએલની 457 બોટલ અને રૂ.1,46,700ની કિંમતના 180 એમએલની 1,467 બોટલો મળી કુલ રૂ.3,12,950 ની કિંમતના વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આ આઇવા ડમ્પરનો ચાલક અને મુખ્ય બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત દરોડા સમયે ફરાર રહ્યા હતા. એલસીબીએ ડમ્પર સહિત કુલ રૂ. 13,12,950 નો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી.