કંડલામાં વિદેશી સિગારેટના 170 બોક્સ સાથે પોર્ટ ટ્રસ્ટનો જ કર્મચારી ઝડપાયો

preview

મહાબંદર કંડલા પર આવતાં વિદેશી જહાજોમાંથી વિદેશી દારૂ, સિગારેટ જેવી વસ્તુઓ બારોબાર પગ કરી જતી હોવાનું અગાઉ અનેક વખત પ્રકાશમાં આવ્યું છે ત્યારે સ્થાનિક પોલીસે કંડલા પોર્ટ ટ્રસ્ટના અગ્નિશમન દળમાં કામ કરતા એક કર્મચારીની કારમાંથી રૂા. 17,000ના વિદેશી સિગારેટના ગેરકાયેદસર રાખેલા 170 પેકેટ મળી આવતાં ચકચાર પ્રસરી જવા પામી છે. કંડલાની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પોર્ટની ઓઈલ જેટી-1 પરથી વિદેશની સિગારેટ લઈને સફેદ રંગની કાર ગાંધીધામ બાજુ જવાની હોવાની પૂર્વ બાતમી પોલીસને મળતાં સફેદ આલ્ટો કાર પસાર થતાં, તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. આ કારમાંથી જુદા-જુદા બ્રાંડના વિદેશી સિગારેટના 170 પેકેટ મળી આવ્યા હતા. કારચાલક દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) અગ્નિશમન દળમાં ફરજ બજાવતો ગોપાલપુરીમાં રહેતો હેમંતકુમાર વિષ્ણુ પટેલને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કાર,સિગારેટ અને મોબાઈલ સહીત કુલ રૂા.1,22,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં રહેતા વિષ્ણુ મારવાડીનું નામ પણ બહાર આવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.