ભુજના વોર્ડ નં.2માં ઉભરાતી ગટરની તેમજ પાણીની સમસ્યામાં મહિલાઓએ કચેરીએ રજૂઆત કરી

ભુજ શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 2ના વિસ્તારમાં ઉભરાતી ગટર અને અનિયમિત પાણીની ફરિયાદ કાયમી બની રહી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે અહીંના રહેવાસીઓ નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ પહોંચી જઈ નિવારણ માટે રજૂઆત કરી હતી. ભુજ નગર પાલિકાના પ્રમુખ જ્યાંથી ચૂંટાઈ આવ્યાં છે એ શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ના થવાથી ગટરના પાણી રસ્તાઓ પર ઉભરાઈ રહ્યા છે. જેના કારણે રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. તો પાણી પુરવઠો અનિયમિત મળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પૂર્વે પણ આ વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે સુધારાઈ કચેરી બહાર પૂરતા પાણીની માગ સાથે મટકા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા ફરી એક વખત મહિલાઓને પાલિકા કચેરીએ રૂબરૂ આવવું પડ્યું હતું અને મહિલાઓએ નિવારણ અર્થે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે સુધારાઈ તરફથી જલ્દી આ મુશ્કેલી નિવારવા કામગીરી હાથ ધરવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી હોવાનું રજૂઆત કર્તાઓએ જણાવ્યું હતું.