જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાની પ્રેરક ઉપસ્થિતિમાં માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવણી કરાઇ

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપનાર વિશ્વના ચાર દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ૧૦૦ કરોડ ભારતવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપી વિશ્વને અચંબિત કરી દીધું છે. mજેની ઉજવણીના ઉપલક્ષમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્યના મેડિકલ અને પેરા મેડીકલ તેમજ પોલીસ અને આંગણવાડી કર્મીઓએ ૧૦૦ કરોડ વેકસીનેશન ડોઝની ઉજવણી કચ્છ ભુજના માધાપર ખાતે કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાની પ્રેરક હાજરીમાં માધાપર પ્રા.આરોગ્ય કેન્દ્ર અને પોલીસ સ્ટેશનના કર્મયોગી અને આંગણવાડીના કાર્યકરોએ માધાપર પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે રંગોળી, દીપ પ્રાગટય અને ફુગ્ગાઓ આકાશમાં છોડી પોતાના ઉત્સાહની ઉજવણી કરી હતી. આ તકે રાજય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનની ઉમદા કામગીરી માટે આ તમામે પરસ્પર આનંદ વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. ૧૦૦ કરોડ ડોઝ રસીકરણ ઉજવણી નિમિતે પરસ્પર સૌએ મોં મીઠુ કરી કરેલી કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, પી.એચ.સી. માધાપર કોવીડ વેકસીનેશનમાં અપાયેલ પ્રથમ ડોઝ ૩૧૭૦૫ અને બીજો ડોઝ ૧૯૯૩૧ અપાયેલ છે અને તેમાંથી ૧૦૦ ટકા કામગીરી થયેલ, સબસેન્ટર નાગોરના ગામ સરસપર અને ત્રંબો,  સબસેન્ટર રાયધણપરનું ગામ ગળપાદરમાં કોવીડ વેકસીનેશનની કામગીરી પૂર્ણ થયેલ છે. ઓ.પી.ડી અને કાયાકલ્પમાં અગ્રહરોળમાં માધાપર પી.એચ.સી.સન્માનિત થયેલ છે. આ તકે અગ્રણી સર્વ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડો.જે.એ.ખત્રી, માધાપર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.કિર્તીકુમાર એસ.સીજુ, આઇઈસી ડો.અમીન અરોરા, સુપરવાઈઝર રીટાબેન પી.શાહ, મેલ સુપરવાઇઝર ઈમ્યિયાઝભાઇ પીરાણી, તેમજ આરોગ્ય કર્મીઓ, માધાપર પી.આઇ. જશોદાબેન લેઉઆ અને તેમનો સ્ટાફ તેમજ આંગણવાડીના કાર્યકર વગેરે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા.