ભચાઉના બટીયા પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો


ગાંધીધામ થી ભચાઉ હાઇવે પર સાંજે માત્ર 3 કલાકના સમયગાળામાં માર્ગ અકસ્માતમાં ત્રણ માનવ જિંદગી હોમાઇ હતી, જેમાં ભચાઉના બટિયા પુલ ઉપર પૂરપાટ જતી ઇનોવા કાર ટ્રકમાં ધડાકાભેર અથડાતાં બારમાં સવાર રાજકોટના ત્રણ પૈકી બે યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, તો એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યો હતો. મોડી સાંજે બનેલી ઘટનામાં ગાંધીધામથી ભચાઉ જતા હાઇવે પર બટિયા પુલ પાસે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ઇનોવા કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઇ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બે વાહનોને અલગ કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ઇનોવા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કારમાં સવાર રાજકોટના ત્રણ યુવાનો પૈકી બે યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો ત્રીજા યુવાનને ગંભીર હાલતમાં 108 મારફત વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો. મોડી સાંજે બનેલી આ ઘટનામાં કારમાં સવાર ત્રણ પૈકી બેના મોત નિપજ્યા અને એકને ગંભીર હાલતમાં ભુજ લઇ જવાતાં ત્રણેના નામ કે વધુ વિગતો મળી શકી ન હતી. પરંતુ બે મૃતકો પૈકી કારમાં એક નોટરી કરાર હતો તેના ઉપરથી એક મૃતક રાજકોટના મહુડી પ્લોટ 150, જુનું ઓમનગરની શેરી ન઼બર 2 રવિ કૂંજમાં રહેતો યાદવ ચિરાગ ચેતનકુમાર હોવાનું જાણવા મળ્યું હતું. અનુમાન એવું લગાડાઇ રહ્યું છે કે મુન્દ્રા ખાતે વાહનનો સોદો કરવા આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ ભચાઉ પાસે આ ગમખ્યાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ભચાઉ વિભાગના ડીવાયએસપી. કે.જી.ઝાલા, પીઆઇ જી.એલ.ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને કારને ટ્રકમાંથી અલગ કરી આ અકસ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકને વહેતો કર્યો હતો. મોડી રાત્રે પીઆઇ ચૌધરીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે બે યુવાનના મૃત્યુ છે અને ત્રીજા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હોવાને કારણે વધુ વિગતો મળી શકી નથી હાલ પરિવારને જાણ કરી બાકીની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે માતમ છવાયો હતો.