ગાંધીધામ-આદિપુરના 2 શખ્સને 1.32 લાખના ચરસ સાથે માળિયા પોલીસે જડપી પડ્યા

કચ્છથી કારમાં ચરસની ખેપમારવા નિકળેલા ગાંધીધામ અને આદિપુરના બે શખ્સ સહિત ત્રણ ઇસમોને માળિયા પોલીસે પકડી લઇ પાંચ વિરૂધ્ધ એનડીપીએસ અેક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં ગાંધીધામ આદિપુરનું કનેક્શન ખૂલતાં ચકચાર મચી જવા પામી છે. માળિયા પોલીસની ટીમને ગત રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, એક કારમાં ચરસની હેરાફેરી કરવામાં આવી રહી છે,આ બાતમીના આધારે પોલીસે ત્રણ રસ્તા નજીક વાહન ચેકીગ કામગીરી હાથ ધરી હતી દરમિયાન જીજે-12- ડીએસ- 2804 નંબરની કારની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા, તેની તપાસ કરતા તેમાંથી રૂ 1.32 લાખની કિમતનો 880 ગ્રામ ચરસ મળી આવ્યો હતો જે બાદ કારમાં સવાર ત્રણેય શખ્સની પુછપરછ કરતા મૂળ બનાસકાંઠાના ભાભર ગાંધીધામના ઉદયનગરમાં રહેતા વાસુદેવ ઉર્ફે વિવાન વાલજી બારોટ,આદિપુરના દશરથ દિનેશભાઈ વ્યાસ તેમજ શંકર ગોવાભાઈ ગરચર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 880 ગ્રામ ચરસ,4 મોબાઈલ ફોન, એક કાર સહીત કુલ 9.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.આરોપીની વધુ પુછપરછ કરતાં આ ચરસનો જથ્થો તેમણે યશ ગોવિંદભાઈ ગઢવી અને જીવરાજ હરઘોળ ગઢવી પાસેથી લીધો હોય અને મોરબીમાં પહોચાડવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે આ ચરસનો જથ્થો મોરબી કોને આપવાનો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી.