અકસ્માતના અસરગ્રસ્ત પરિવારને મળ્યું રૂપિયા 1.51 કરોડનું વળતર

ગત 12 જાન્યુઆરી 2020માં ભુજમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં થયેલ સમાધાન મુજબ કલેઈમેન્ટસ્ ઉષાબેન ગોકુલભાઈ જોષી સહિતનાઓને કુલ રૂપિયા એક કરોડ 51 લાખનું વિક્રમી રકમનુ઼ ચુકવણું કરવામાં આવતા જોષી પરિવાર વતી સ્વીટી ગોકુલભાઈ જોષીએ સંતોષ, આનંદ તથા આભારની લાગણી વ્યકત કરી હતી. કચ્છ જીલ્લામાં એક જ અકસ્માતના અનુસંધાનમાં કરાયેલા કેસમાં લોક અદાલતમાં એક જ પરિવારને આટલું મોટું વળતર મળ્યાનો પ્રથમ કિસ્સો બન્યો છે.

કેસની હકીકત એવી હતી કે, ગત 27 ડીસેમ્બર 2014ના દિપકભાઇ ગોકુલભાઈ જોષી તેમના પરિવાર સાથે તેમની કારમાં ગાંધીધામથી મુન્દ્રા પરત જતા હતા. દિપક જોષી કાર ચલાવતા હતા. રાત્રે નવ વાગ્યના અરસામાં તેઓ મિંદિયાલા ગામના સાઈન બોર્ડની સામે પહોંચ્યા ત્યારે મુન્દ્રા તરફથી આવતા ટ્રેઈલર જી.જે. 12 ઝેડ 0451ના ચાલકે પૂર ઝડપે તથા બેદરકારી ચલાવીને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવીને રોંગ સાઈડમાં આવી કાર સાથે અથડાતા, કાર ચાલક દિપકભાઈ તથા તેમના પત્ની રીનાબેન, પુત્ર આરવ તથા પુત્રી આર્યાને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતમાં થયેલ ગંભીર ઈજાઓને કારણે દિપકભાઈ તથા રીનાબેનનું અવસાન થયું હતું. જયારે આરવ તથા આર્યાને ઈજાઓ થઇ હતી. કલેઈમેન્ટસે તેમના એડવોકેટ શંકરભાઈ સચદે, ઉર્મિશ સચદે, હિરેન સચદે મારફતે મોટર એકસીડેન્ટ્સ કલેઈમ્સ ટ્રીબ્યુનલ, ભુજ સમક્ષ જુદી-જુદી વળતરની ચાર અરજીઓ રજુ કરી હતી. આ વળતરની અરજીઓ ગત 12 ડીસેમ્બર 2020ના રોજ યોજવામાં આવેલ રાષ્ટ્રીય લોક અદાલત સમક્ષ સમાધાન માટે રજુ કરવામાં આવેલ હતી.

કલેઈમેન્ટસ્ તેમના એડવોકેટર બજાજ એલીયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના એડવોકેટ તથા સંબંધિત અધિકારીઓના હકારાત્મક વલણના કારણે વીમા કંપનીએ ચારે કેસોમાં ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ તરીકે રૂપિયા 1 કરોડ 51 લાખ ચુકવવા માટે ઓફર આપી હતી. જે ઓફર કલેઈમેન્ટસ તરફથી સ્વીકારવામાં આવતાં ટ્રીબ્યુનલ તરફથી એવોર્ડઝ કરવામાં આવેલ. એવોર્ડ અન્વયે રૂપિયા 1 કરોડ 51 લાખની રકમ જમા થતાં તે રકમ નિયમ મુજબ અરજદારોના નામે ઈન્વેસ્ટ કરવા તથા એકાઉન્ટ પે ચેકથી ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ અનુસંધાનમાં તાજેતરમાં કલેઈમેન્ટને વળતરના રૂપિયા 1 કરોડ 51 લાખ મળતાં કલેઈમેન્ટસ્ વતી મૃતકના બહેન સ્વીટીબેન ગોકુલભાઈ જોષીએ આનંદ, સંતોષ તથા આભારની લાગણી વ્યકત કરી હતી. ત્યારે કચ્છ જીલ્લામાં એક જ અકસ્માતના અનુસંધાનમાં કરાયેલા કેસમાં લોકઅદાલતમાં એક જ પરિવારને રૂપિયા 1 કરોડ 51 લાખ જેટલી રકમ મળી હોય તેવો આ પ્રથમ કેસ છે.

આ કેસમાં અરજદાર વતી શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ એલ. સચદે તેમજ ઉર્મિશ સચદે, હિરેન સચદે તથા વીમા કંપની વતીથી એડવોકેટ સંગીતાબેન એસ. સચદેએ સમાધાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વીમા કંપનીના સંબંધિત અધિકારીઓના હકારાત્મક વલણના કારણે લાંબી ચર્ચા વિચારણાના કારણે સમાધાન શકય બન્યું હતું.

પરિવારે 1.98 કરોડના વળતરની કરી હતી માંગ
દિપકભાઇ જોષીના અવસાન સબબ રૂપિયા 1 કરોડ 75 લાખ, રીનાબેનના અવસાન સબબ રૂપિયા 15 લાખ, પુત્ર આરવ જોષીની ખોટ માટે રૂપિયા 6 લાખ તથા આર્યા જોષી સબબ ખોટ માટે અઢી લાખની માંગણી કરી હતી. લોક અદાલતમાં થયેલ સમાધાનની રૂએ દિપક જોષીના વારસદારોને રૂપિયા 1 કરોડ 33 લાખ, રીનાબેન જોષીના વારસદારોને રૂપિયા 13 લાખ, આરવ જોષીને રૂપિયા 4 લાખ 50 હજાર તથા કુ. આર્યા જોષીને રૂપિયા 50 હજારનું વળતર મળ્યું છે