બાડમેરથી ભુજ આવતા શરાબના 229 પાઉચ ડીસામાં ઝડપાયા

બાડમેરથી ભુજ આવતા શરાબના પાઉચ ડીસા પોલીસે પકડી પાડ્યા હતા. આ અંગે ડીસા ઉતર પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી કે ડીસાના નવા બસસ્ટેન્ડમાં આવેલી પાર્સલ શાખામાં પાંચ પાર્સલ શંકાસ્પદ હાલતમાં પડેલા છે તેથી ટીમ તાત્કાલિક ધોરણે બસસ્ટેન્ડની પાર્સલ શાખા પહોચી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે પાર્સલ બાડમેરથી આવેલી બસ નં જીજે 18 ઝેડ 5142માં આવ્યા હતા અને તે ભુજ જવાના હતા. જેમાં બે પાર્સલમાં રોયલ એક્સ. એક્સ.એક્સ. રમના 85 પાઉચ (કી.રૂ.5,950),જ્યારે અન્ય ત્રણ પાર્સલમાં રોયલ ક્લાસિક વ્હીસ્કીના 144 પાઉચ (કી.રૂ.10,080) મળી આવ્યા હતા. આમ કુલ પાઉચ 229 (કિં.રૂ.16,030) મળી આવ્યા હતા જે પોલીસે જપ્ત કર્યા હતા. આ મામલે પોલીસે પાર્સલ શાખાના કર્મચારી સ્વરૂપસિંહ રાજપુરોહિતને પુછતા તેમણે પોલીસને જણાવ્યું હતું. કે શરબનાં પાંચેય પાર્સલો બાડમેરથી આવ્યા હતા અને ભુજ જવાના હતા. જે ડીસા ડેપોની પાર્સલ ઓફિસમાં ઉતારવામાં આવ્યા હતા. પાર્સલોની બિલ્ટી જોતાં તેમાં પાંચેય પાર્સલ મોકનાર તરીકે પરમજિતસિંગ બાડમેર તથા પાર્સલ લેનાર તરીકે ગાયત્રી મેડિકલ, ભુજ લખેલું જોવા મળ્યું હતું. આ અંગે ડીસા(ઉતર) પોલીસ મથકના પીએસઆઈ વી.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, ડેપોની પાર્સલ શાખામાંથી પાંચ પાર્સલ પકડી પાડ્યા હતા. હાલમાં ગુનો દાખલ કરીને ઇસમોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.