ભુજના આર્મી કેમ્પના હવાલદારને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી ફોન મારફતે રૂ.1.34 લાખની છેતરપિંડી

ભુજ આર્મી કેમ્પમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા જવાન સાથે બેંકના ક્રેડિટ કાર્ડમાં પૈસાની ક્રેડિટ વધારવાની વાતે અજાણ્યા શખ્સે બેંકથી બોલું છું કહી રૂ. 1.34 લાખની છેતરપિંડી આચરી હોવાનો ગુન્હો ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયો છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઠગાઈનો ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિશે મળતી માહિતી મુજબ 24 જુલાઈના રોજ આર્મી કેમ્પ ખાતે ફરજ દરમ્યાન રહેલા હવાલદાર લખવિંદર શીખને મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે બેન્કમાંથી બોલું છું કહી તમારા બેંકના ક્રેડિટ કાર્ડમાં પૈસાની વધારવા માટે ફોન કર્યો હોવાનું જણાવી ક્રેડિટકાર્ડનો નંબર માંગ્યો હતો. હવાલદારે ક્રેડિટ કાર્ડ જણાવ્યા બાદ તુરંત એક ઓટીપી નંબર આવ્યો હતો, તે નંબર પણ અજાણ્યા શખ્સે માંગતા હવાલદારને શક પડ્યો હતો અને ઓટીપી નંબર આપ્યો નહોતો.ઘટનાના એક માસ બાદ એબીઆઈ બેન્કમાંથી ક્રેડિટકાર્ડનું બિલ આવ્યું હતું. તેમાં 24 જુલાઈના રોજ બે ટ્રાન્જેકશન મારફતે રૂ. 1.34 લાખ ઉપડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાબતે ફરિયાદી દ્વારા ભુજ સાયબર સેલ કચેરી ખાતે અરજી આપવામાં આવી હતી જેના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ  સ્ટેશને ફરિયાદ નોંધી ઠગાઈ આચરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસની તપાસ હાથ ધરાઈ હતી.