વિરોચનનગર ગામનાં 2 મંદિરમાંથી તસ્કરોએ 2.81 લાખનાં ઘરેણાં ચોરી જવાતા ચકચાર મચી

સાણંદ અને તાલુકામાં થોડાક સમયથી તસ્કરોએ મંદિરોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું છે. ત્યારે વધુ એક ઘટના સાણંદના વિરોચનનગર ગામે સામે આવી છે. ગામમાં જુદા જુદા બે મંદિરોમાં રાત્રીના અરસામાં તસ્કરોએ મંદિરના તાળા તોડી રૂ.2.81 લાખના સોના ચાંદીની વસ્તુઓની ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી છે.સુત્રોના જણાવ્યા મુજબ રાત્રીના અરસામાં સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આવેલ મકવાણા વાસમાં બહુચર માતાજી તથા મરમરા માતાજી મંદિરના બારણાનું હેન્ડલનો નચુકો અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશી કરી ૬ તોલાનો હાર તેમ મરમરામાતાજીની સોનાની નાની મોટી વસ્તુ, મંદિરના ઘુમ્મટ ઉપરનું આશરે 2 કિલોનું ચાંદીનું છત્ર મળી કુલ રૂ.2.70 લાખ તેમજ અન્ય સોના ચાંદીની વસ્તુઓની તસ્કરી કરી તેમજ ગામમાં આવેલ રામદેવપીરના મંદિરનું તાળું તોડી મંદિરમાંથી રામદેવપીરની મૂર્તિ ઉપરનો આશરે 300 ગ્રામ ચાંદીનો મુગટની અને ચાંદીના છત્ર જેની આશરે કિંમત રૂ.11 હજાર મળી બંને મંદિરમાંથી રૂ.2.81 લાખના સોના ચાંદીની નાની મોટી વસ્તુઓની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા.સમગ્ર મામલે મંદિરમાં સેવા પૂજા કરતા ઇસમને જાણ થતા ગ્રામજનોને મંદિરમાં ચોરીની ઘટના બની હોવાની માહિતી મળતા મોટી સંખ્યામાં લોકો મંદિરે ઉમટ્યા હતા. ગ્રામજનોએ ગામમાં આજુબાજુ આજુબાજુમાં પુછપરછ કરી તપાસ કરતા કોઈ મુદ્દામાલ નહીં મળી આવતા સમગ્ર ઘટનાને લઈને ગામના દિલીપસિંહ અલુભાઈ મકવાણાએ સાણંદ જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.