બોદાલ બસ સ્ટેન્ડ નજીક કારની ટકકરે એક યુવાનનું મોત

બોરસદ તાલુકાના બોદાલ ગામના બસ સ્ટેન્ડ નજીક સવારના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને પુરપાટ ઝડપે જતી કારે અડફેટે લેતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બાબતે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી ચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.બોરસદ તાલુકાના બોદલ ગામે જાદવ ફળીયામાં મુકેશભાઈ સોમાભાઈ ચૌહાણ રહે છે અને છુટક મજુરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. મુકેશભાઇનો નાનો ભાઈ પ્રવીણભાઈ દરરોજ બોદાલ ગામે આવેલા રામદેવપીર મંદિરે દર્શન કરવા જાય છે અને એ પછી તે વડોદરા છૂટક મજૂરી કામે જતો હોય છે. પ્રવિણભાઈ બપોરના અરસામાં છૂટક મજૂરી કરવા વડોદરા ગયા હતા અને રાત્રે પરત આવ્યા નહોતા. જેને પગલે પરિવારવજનો ચિંતાતુર હતા. દરમ્યાન સવારના અરસામાં મુકેશભાઇને ગામના મફતભાઈ જાદવે ઘરે આવીને તેઓના નાના ભાઈ પ્રવિણભાઈને બોદાલ ગામનાં બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જેથી મુકેશભાઈ સહિતના પરિવારજનો બોદાલ બસ સ્ટેન્ડ પાસે સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન, તપાસમાં એવું ખૂલ્યું હતું કે, મંદિર દર્શન કર્યા બાદ રોડ ક્રોસ કરી રહ્યા હતા એ સમયે તેમને કારના ચાલકે અડફેટે લીધા હતા. આ બાબતે બોરસદ શહેર પોલીસ સ્ટેશને મુકેશભાઈની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.