બોરસદના નાપા તળપદ ગામે ત્રણ તસ્કર એટીએમ તોડી 3.18 લાખની તસ્કરી કરી ગયાં

બોરસદના નાપા તળપદ ગામે ત્રાટકેલા તસ્કરોએ ખાનગી બેંકના એટીએમને નિશાન બનાવી તેમાંથી રૂ.3.18 લાખની રોકડની તસ્કરી કરી હતી. આ અંગે બેન્કના સત્તાવાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે, સીસીટીવી ફુટેજમાં કારમાં આવેલા ત્રણ ઈસમોનું આ પરાક્રમ હોવાનું ખુલ્યું છે. બોરસદના નાપા તળપદ ગામે આવેલી ટાટા ઇન્ડીકેશનનું એટીએમ તોડી તસ્કરો રૂ.3.18 લાખ તસ્કરી કરી ગયાં હતાં. રાત્રિના અરસામાં કારમાં આવેલા અને મોંઢા પર કપડું બાંધી ઘુસેલા તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાંખીને પણ 2.50 લાખનું નુકશાન કર્યું હતું. નાપા તળપદ ગામે રાત્રિયાન અરસામાં ત્રાટકેલા તસ્કરો ટાટા ઈન્ડીકેશનું એટીએમ મશીન ગેસ કટરથી કાપી નાંખ્યું હતું. બાદમાં અંદરથી 3.18 લાખ ઉપરાંતની રોકડ રકમની તસ્કરી કરીને રફુચક્કર થઈ ગયાં હતાં. આ અંગે સવારના અરસામાં બેન્કના સત્તાવાળાઓને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં.