જામનગરમાં બેંક ઓફિસરના બંધ ઘરના તાળા તોડી દાગીના-રોકડની તસ્કરી

જામનગરમાં ખોડિયાર કોલોનીની ન્યુ આરામ કોલોનીમાં બંધ ઘરમાં ખાતર પાડ્યું છે. આ બનાવની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. વાડીનાર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડીયામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અને ન્યુ આરામ કોલોનીમાં બી-4માં દિશાંત નામના ઘરમાં રહેતા અંકુશભાઈ પ્રદીપભાઈ પહાડેના તા.11-12 થી તા.14-12 સવારના અરસા સુધી બંધ રહેલ ઘરને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ રહેણાંક ઘરના દરવાજાનો નકુચો અને તાળા તોડી અંદર પ્રવેશી ઘરના બેડ રૂમમાં આવેલ લાકડાના કબાટ પર નજર જમાવી હતી. કબાટમાંથી રૂ.20,000ના 1 તોલાના બે નંગ સોનાના ચેન, રૂ.10 હજારની 5 નંગ વીંટી, રૂ.40 હજારના સોનાના મંગળસુત્ર, રૂ.40 હજારના સોનાના પાટલા, રૂ.10 હજારના કાનમાં પહેરવાના બે ઝુમખા, રૂ.10 હજારના સોનાની અંગુઠી, રૂ.20 હજારની માળા. ઉપરાંત રૂ.4 હજારની ઝાંઝરી, રૂ.2 હજારની કડલીઓ અને રૂ.35 હજારની રોકડ સહિત રૂ.1,91,000ના દાગીના તેમજ રોકડ રૂપિયાની તસ્કરી કરી હતી. નાગપુરમાં રહેતા સાળાનું અવસાન થતા બેંક ઓફિસર તેના પત્ની અને માતા-પિતા તથા બાળકો સાથે નાગપુર ગયા હતા. ઘરને તાળા મારી પોતાની મિત્રને ચાવી આપી નાગપુર ગયા બાદ પાછળથી બંધ ઘરને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. તેનો મિત્ર ઝાડને પાણી પાવા માટે ગયો હતો ત્યારે તાળા તૂટેલા નજરે પડતા તેઓએ નાગપુર ગયેલા મિત્રને ફોન કરી જાણ કરી હતી. જેને લઈને બેંક ઓફિસર પરત આવ્યા હતા અને ફરિયાદ લખાવી હતી. આ બનાવ અંગે પીએસઆઈ એસ.એમ. સીસોદિયા સહિતના સ્ટાફે તજવીજ હાથ ધરી છે.