મોટપ નજીક બિસ્કીટના બોક્ષની આડમાં લઈ જવાતો 4.90 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો

મહેસાણા-મોઢેરા રોડ ઉપર મોટપ ચોકડી નજીકથી એલસીબીએ નંબર પ્લેટ વગરના પીકઅપ ડાલામાંથી પાર્લે બિસ્કીટના બોક્સની આડશમાં લઈ જવાતા રૂપિયા 4.90 લાખના વિદેશી દારૂ સાથે ભાભરના ઈસમને પકડી પાડ્યો હતો. પીકઅપ ડાલા સાથે ઈસમની અટક કરી દારૂ ભરી આપનાર અને ડીલીવરી લેનાર ઈસમ સહિત 5 સામે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવ્યો હતો.એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે મોટપ ચોકડી પાસેથી રૂપિયા 4,90,932 ની કિંમતની 3372 નંગ વિદેશી દારૂની બોટલો ભરેલા નંબર પ્લેટ વગરનાં પીકઅપ ડાલાને ઝડપી પાડ્યું હતુ. પાર્લે બિસ્કીટના બોક્સની આડશમાં લઈ જવાતા દારૂ ભરેલા પીકઅપ ડાલાના ચાલક અંગે પૂછતાં તેણે પોતાનું નામ કેવળજી મણાજી મોતીજી ઠાકોર હોવાનું જણાવ્યુ હતુ.એલસીબીએ પીકઅપ ડાલા સહિત રૂપિયા 10,91,762 નો મુદ્દામાલ કબજે લઈને કરેલી પ્રાથમિક પૂછપરછમાં તેણે રાધનપુરની લાલબાગ સોસાયટીવાળા જયેશ ઉર્ફે ભાણો હરગોવનભાઈ ઠક્કર અને સુરેશ રામજીભાઈ ઠક્કર, ભાભર ચાર રસ્તાવાળાએ પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી દઈને વારાહીના લાલા ઠાકોરે કંડલા રોડ ઉપર ગાડી આપી હતી.