મતદાનના દિવસે તા.૧૯/૧૨/૨૦૨૧(રવિવાર)ના રોજ રજા આપવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેક્ટરશ્રીનો આદેશ

ભારત સરકારના પર્સોનલ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમની માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકારની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે/મત આપી શકે તે હેતુસર  મત આપવા માટેના સમય પુરતી રજા આપવા કચેરી/સંસ્થામાં મોડા આવવા અથવા વહેલા આવવા જણાવેલ છે. કચ્છ  જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા૧૯/૧૨/૨૦૨૧ (રવિવાર) ના રોજ યોજાનાર છે. તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ જાહેર રજા હોઇ પરંતુ આવશ્યક સેવાઓ જેવી કે નાના/મોટા ગામોમાં કેટલીક ગ્રામિણ બેંકો , રાષ્ટ્રીય અને ખાનગી બેંકો,સહકારી બેંકો અને રાજ્ય તથા કેંદ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, કારખાનાઓ , ફેક્ટરીઓ, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓ રવિવારના દિવસે તેઓનો કારોબારચાલુ રાખે છે.આ સંજોગોમાં કચેરીઓ/સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તા.૧૯/૧૨/૨૦૨૧ ને રવિવારના દિવસે અધિકારીશ્રી/કર્મચારીશ્રી/કામદારો તથા અન્ય મજુરી કામ કરતા મજુરોને વારાફરતી ત્રણ કલાકની રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ/કચેરીઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે એટલે કે તા.૧૯/૧૨/૨૦૨૧ (રવિવાર) ના રોજ રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે દ્વારા સબંધિત તમામ સંસ્થા/કચેરીના વડા/સંચાલકશ્રીઓને  હુકમ કરવામાં આવ્યો છે.