કૃષ્ણનગર મફતનગરના એક મકાનના રસોડાના વોશ બેસીનની નીચેના ખાનામાં વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યો

કૃષ્ણનગર મફતનગરના એક રહેણાંકી મકાનના રસોડાના વોશ બેસીનની નીચેના ખાનામાં બનાવેલા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઈમબ્રાંચે પકડી પાડી શખ્સ વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઉત્તર કૃષ્ણનગર વણકરવાસમાં હનુમાનદાદાની દેરી પાસે રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ તેના રહેણાંકી મકાનના રસોડામાં વોશ બેસીન નીચેના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા રસોડાના વોશ બેસીન નીચે બનાવેલા ખાનામાં લાકડાના પાટિયા પર ચુંબકથી ટાઈલ્સ ફીટ કરેલી હતી.જે ટાઈલ્સ દુર કરી તપાસતા અંદર રૂમમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ 2388 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઘરે હાજર નહી મળી આવેલા રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારૂ વિરૂદ્ધ ફરિયાદ લખાવી કુલ રૂ. 2,63,400 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી હતી.