મેઘપર બોરીચીના નિલકંઠ નગરમાં આવેલા બંધ ઘરમાંથી 92 હજારની મત્તાની ચોરી

copy image

અંજાર તાલુકાના મેઘપર બોરીચીના નિલકંઠ નગરમાં આવેલા એક બંધ ઘરને નિશાચરોએ હડફેટમાં લીધું હતું. આ ઘરમાંથી રોકડ રકમ અને દાગીના એમ કુલ રૂ.92,000ની મત્તાની તસ્કરી થઈ હતી. મેઘપર બોરીચીના સર્વે નંબર 206, લીલાશાહ કુટીયા પાછળ આવેલા નિલકંઠ નગરમાં ઘર નંબર 22માં નિશાચરોએ ખાતર પાડયું હતું. આ ઘરમાં રહેતા મૂળ બિહારના મધુસુદનસિંઘ રામનંદનસિંઘ ગળપાદર બાજુ ચોકીદારીનું કામ કરે છે. તેમના પરિવારજનો પોતાના વતન બિહાર ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમનો મોટો દિકરો ઘરે જ હતો. જે  ગઇકાલે સાંજના અરસામાં પોતાના પિતા એવા આ બનાવના ફરિયાદી પાસે ગળપાદર ગયો હતો અને રાત્રિના અરસા દરમિયાન ત્યાંજ રોકાઈ ગયો હતો. અને આજે સવારના અરસામાં તે પોતાના ઘરે આવતાં તેમના ઘરમાં તસ્કરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમના બંધ ઘરના તાળાં તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રાખેલ લોખંડની પેટીના તાળા તોડયા હતા. આ પેટીમાંથી રોકડ રૂ.20,000 તથા રૂ.72,000ના સોના-ચાંદીના દાગીના એક કુલ રૂ.92,000ની મત્તાની તસ્કરી કરી આગળ વધ્યા હતા. આ ફરિયાદીએ પોતાનો પાછળનો રૂમ ભાડે આપ્યો છે. ભાડાના આ ઘરના પણ તાળા તોડાયા હતા પરંતુ ઘરમાં રહેનાર હાજર ન હોવાથી તેમાંથી કેટલાની મત્તા ગઈ છે. તે જાણી ન શકાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઠંડીની સાથે મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીની સોસાયટીઓમાં તસ્કરીના બનાવો વધ્યા છે ત્યારે ફરી એક વાર આ વિસ્તારના નવા મંજુર થયેલા પોલીસ મથકનો મુદો્ સપાટી ઉપર આવ્યો હતો.