સાયણમાં જુગાર રમાડતી મહિલાને એલસીબીએ પકડી પાડી

સુરત જિલ્લા એલસીબી પોલીસ સાયણ બજાર પાસે વરલી મટકાના જુગારધામ ઉપર ત્રાટકી હતી અને આંકડો રમાડતી એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી મોબાઈલ ફોન ઉપર આંકડો લેતા એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. જો કે સાયણ પોલીસ ચોકીની તદ્દન નજીકમાં ચાલતા વરલી મટકાના જુગારધામ મામલે સ્થાનિક પોલીસના ઉદાસીન વલણને કારણે એલસીબી પોલીસે જુગારધામ ઉપર ત્રાટકી સ્થાનિક પોલીસની પોલ ખોલી નાંખી છે.સાંજના અરસામાં સુરત એલસીબી ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે અહેકો પ્રકાશ વાલજીને બાતમી મળી હતી કે, સાયણ રેલવે ફાટક નજીક વિલાસ હોટલની બાજુની ગલીમાં બોમ્બે ચાલમાં રહેતી મયુરીબેન લામા મુંબઇથી નીકળતા મિલન, કલ્યાણ તથા ટાઇમ બજારથી નીકળતા આંકડાઓ ઉપર જુગાર રમાડી રહી છે. આ બાતમીના પગલે જિલ્લા એલસીબી સાયણ આઉટ પોલીસ ચોકીની મહિલા પો.કો.પ્રિતી રાયમલને સાથે રાખી છાપો મારતા જુગારધામેથી મયુરી લામા પકડાઈ હતી. પોલીસે જુગારધામેથી આંકડો લખાવતા સાયણ ટાઉનના કાશી ફળિયામાં રહેતા બે આરોપીઓ પૈકી મનિષ ગામીત તથા રાજુ રાઠોડને પણ પકડી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-2, જેની કિંમત રૂપિયા 26,000, જુગાર રમતના વકરાના રૂપિયા 18,400 તથા રૂપિયા 3260 મળી કુલ 47,660 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે મહિલા જુગારી મયુરી લામાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે જુગારીઓ પાસેથી વરલી-મટકા આંકડાનો અંક લઈને ગુલામ હુસેન મહમંદ કાસીમ પટેલને આંકડો મોબાઈલ ઉપર લખાવતી હતી. જેથી પોલીસે ગુલામ હુસેન મહમંદ કાસીમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.