મહેસાણા સાંકાભાઈ કોમ્પ. પાછળ ક્રિકેટ સટ્ટો રમાડતો ઈસમ પકડાયો

મહેસાણા શહેરના તોરણવાળી ચોક પાસે સાકાભાઈ કોમ્પલેક્ષની પાછળ ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેસ લીગની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા જૂના પરાના ઈસમને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઈલ અને રૂ.11,620 રોકડ મળી કુલ રૂ.16,620ની મત્તા કબ્જે કરી હતી.એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સાકાભાઈ શેઠ કોમ્પલેક્ષના પાછળના ભાગે ભાટવાડાના નાકા પાસે જાહેર રસ્તા ઉપર પાર્ક કરેલા બાઈક ઉપર બેસીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા જૂના પરાની ત્રીજી ઓળમાં રહેતા હાર્દિક વિરેન્દ્રભાઈ પટેલને પકડી પાડ્યો હતો. હાર્દિક પટેલ ઓસ્ટ્રેલિયામાં ગીલોંગ શહેરના સીમોંગ સ્ટેડિયમમાં રમાતી બીગ બેસ લીગ 2021-22 ની ટુર્નામેન્ટ અંતર્ગત મેલબોર્ન રેનેગેડ્સ અને સિડની સિક્સર્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાથી પોલીસે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.16,620 જપ્ત કરી, હાર્દિક પટેલની અટક કરીને તજવીજ કરી હતી.