બે બાઇકની તસ્કરી કરનાર ઈસમને પકડી પાડ્યો  

જૂનાગઢ, ચોરાઉ બાઇક સાથે નિકળનાર ઈસમની ધરપકડ કરી તપાસ કરતા તેમણે 2 બાઇકની તસ્કરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને બાઇક મળી કુલ 50,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ધોરણસરની તપાસ હાથ ધરી છે. બાઇક તસ્કરી કરનાર ઇસમોને દબોચી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપ્યા બાદ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, વાહન તસ્કરી કરવાની ટેવ વાળો વિશ્વકર્મા સોસાયટીનો ઈસમ કૌશલ મનોજભાઇ નૈનુજી ચોરાઉ મોટર સાઇકલ સાથે મધુરમ બાયપાસ- મંગલધામ પાસેથી પસાર થનાર છે. બાદમાં સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન કૌશલ નૈનુજી જીજે 11 સીઇ 5653 નંબરનું મોટર સાઇકલ લઇને પસાર થતા તેને રોકી તલાશી લેતા આ બાઇક પોતે મેંદરડાથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. વધુ તપાસમાં તળાવ દરવાજા પાસેથી પણ જીજે 04 સીડી 5461 નંબરના મોપેડની પણ તસ્કરી કરી હોવાની કબુલાત આપી હતી.