ભાવનગરના સરદારનગર વિસ્તારમાંથી SOGએ દેશી કટ્ટા સાથે એક ઈસમને પકડી પાડ્યો

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના સરદારનગર વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 10 હજારની કિંમતના દેશી તમંચા સાથે પકડી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઈંગ્લિશ દારૂ, ગાંજો સહિતના માદક પદાર્થોની હેરાફેરી તથા ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં રાખવા ઉપરાંત જાહેર શાંતિ-વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા ભાવનગર શહેર-જિલ્લાની પોલીસ ટીમ વર્ક સાથે ચોવીસ કલાક ફરજરત હોય છે. એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ માહિતી આપી હતી કે શહેરના રસાલાકેમ્પ માં નવા ગુરૂદ્વારા પાસે રહેતો ઈસમ તમંચા જેવા શસ્ત્ર સાથે ફરે છે જે હકીકત આધારે જવાનોએ આ ઈસમ અંગે ખરાઈ કરી સરદારનગર ગુરૂકુળ પાસેથી કમલેશ ઉર્ફે ભૂરો તુલસીદાસ દુધિયા સિંધી ઉ.વ.23 ને અટકાવી નામ-સરનામા સાથે અંગઝડતી હાથ ધરતા આ ઈસમના કબ્જામાંથી રૂ.10,000 હજારની કિંમતના દેશી તમંચા સાથે પકડી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. આ હથિયાર અંગે લાઈસન્સ-દસ્તાવેજ માંગતા ઈસમ સંતોષકારક જવાબ ન આપી શક્તા SOG ની ટીમે ભુરાની અટક કરી બી-ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી હથિયાર-આરોપીને બી-ડીવીઝન ને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.