વિસનગર તાલુકાના કાંસામાં મકાનનું તાળું તોડી સોનાના દાગીના અને 20 હજાર રોકડની તસ્કરી 

વિસનગર તાલુકાના કાંસા ગામમાં ભાડાના મકાનમાં રહેતા વન કર્મીના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો કબાટમાંથી સોનાના દાગીના તેમજ રૂ.20 હજાર રોકડની તસ્કરી કરી ગયા હતા. જે અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. તાલુકાના ખંડોસણ ગામના ગજ્જર સુરેશકુમાર ખોડીદાસ છેલ્લા 8 વર્ષથી કાંસા ગ્રામ પંચાયત નજીક ભાડાના મકાનમાં રહે છે અને વિસનગર ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરે છે. સુરેશભાઇ વડોદરા ખાતે રહેતા તેમના દીકરાને મળવા તેમજ તેમના પત્નીને લેવા માટે સાંજના અરસામાં મકાન બંધ કરી વડોદરા ગયા હતા. ત્યારે બીજા દિવસે રાત્રિના અરસામાં બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ ઘરમાં ઘૂસી કબાટમાં મુકેલી સોનાની બુટ્ટી અને વીંટી, ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂ.20 હજાર તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. સવારના અરસામાં ઘરે આવેલા સુરેશભાઇએ મકાનનું તાળુ તૂટેલું જોતાં અને ઘરનો સામાન વેરણ છેરણ જોતાં તસ્કરી થઇ હોવાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.