બાઇક અને મોબાઇલની તસ્કરી કરનાર 2 શખ્સો પકડાયા

જૂનાગઢ બી ડિવીઝન પોલીસે બાઇક અને મોબાઇલની તસ્કરી કરનાર 2 શખ્સોને સક્કરબાગ પાસેથી પકડી પાડ્યા છે. તસ્કરીના બનાવમાં સંડોવાયેલા શખ્સને પકડી પાડવા રેન્જ આઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ઇન્ચાર્જ ડિવાયએસપી આર. વી. ડામોરના માર્ગદર્શનમાં બી ડિવીઝન પોલીસે તજવીજ હાથ ધરી હતી. બી ડિવીઝન પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા અને હારૂનભાઇ ખાનાણીને બાતમી મળી કે, જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પર આવેલ શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાનમાંથી મોબાઇલની તસ્કરી થઇ હતી. આ તસ્કરીનો આરોપી અન્ય એક ઈસમ સાથે જીજે 03 સીપી 1337 નંબરના બાઇક પરથી પસાર થનાર છે. બાદમાં પીઆઇ આર.એસ. પટેલની સૂચનાથી પીએઆઇ આર.એચ. બાંટવા, પીએસઆઇ પી.એચ. મશરૂ અને સ્ટાફે બન્ને ઇસમોને સક્કરબાગ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં બાઇક પણ રાજકોટના કુવાડવા રોડ પરથી તસ્કરી કર્યાનું ખુલવા પામ્યું હતું. પોલીસે રવિ દિલીપ રાઠોડ અને લખન નારણભાઇ મારવાડી(રહે. બન્ને 66 કેવી) વાળાને ઝડપી લીધા હતા. બાદમાં 2 મોબાઇલ, 1 મોટર સાઇકલ મળી 30,000નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.