ખૂડા અને લઠેડી ગામની પવનચક્કીના વાયરની ચોરી કરનારા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

અબડાસા તાલુકાના ખૂડા ગામની સીમમાં આવેલી તથા લઠેડી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરનારા માંડવીના મોડકુબા અને મુળ માંડવીના બાડા ગામના હાલ દેવભૂમિ દ્વારકા રહેતા બે આરોપીઓને ઝડપી પાડીને કોઠારા પોલીસ મથકે નોંધાયેલ બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

ખૂડા ગામની સીમમાંથી કેટલાક આરોપી જીપ મારફતે પવન ચક્કીનો વાયર ચોરી રહ્યા હોવાની બાતમીના પગલે અગાઉ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમની ટીમે જીપનો પીછો કર્યો.  આરોપીઓ સાંધણ અને લઠેડીની સીમ વચ્ચે ગાડી મુકી નાસી ગયા હતા. એલ.સી.બી. દ્વારા આરોપીઓને પકડી પાડવા તપાસ જારી હતી.

દરમિયાન એલ.સી.બી.ની ટીમે માંડવી તાલુકાના મોડકુબા ગામે રહેતા પ્રવિણસિંહ હરીસિંહ સોઢા (ઉ.વ.34) અને મુળ માંડવીના બાડા ગામના હાલ દેવભૂમિ દ્વારકા ભીમરાણા ગામે રહેતા દિગ્વીજયસિંહ ઉર્ફે દિવ્યરાજસિંહ હિંમતસિંહ જાડેજા (ઉ.વ.30) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી પ્રવિણસિંહએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. કે, પોતે અગાઉ લઠેડી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી વાયરની ચોરી કરી હતી. એલ.સી.બી.એ કોઠારા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ બે ચોરીના બનાવો ઉકેલીને આરોપીઓ વિરૂધ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.