પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)એ કચ્છના ગરીબ લોકોનું જીવન બદલ્યું

પાકા મકાન નસીબ થતા કુદરતી અને સામાજિક મુશ્કેલીઓથી ગ્રામીણોને રાહત મળી
૦૦૦૦
વડાપ્રધાનશ્રીની આ યોજના થકી પાકા ઘરનું સપનું સાકાર થયું : પરમબાઈ શુક્રીયા
૦૦૦૦
ગામમાં પાકું મકાન મળવાથી બાળકોને શિક્ષણનો લાભ મળ્યો : ગંગાબેન મહેશ્વરી
૦૦૦૦
ચોમાસામાં પડતી તકલીફનો હવે અંત આવ્યો : દયારામ મંગલ કોળી
૦૦૦૦
મજૂરીકામ કરીને જીવન વ્યતિત કરતા સુમરા જલાલ હાસમભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મળતા ઋતુગત સમસ્યાઓથી મુક્તિ મળી

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)એ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કાચુ ઘર ધરાવતા હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે. આ યોજનાનો લાભ કચ્છના ગ્રામીણક્ષેત્રના ગરીબ નાગરિકોને બહોળા પ્રમાણમાં મળી રહ્યો છે. ગ્રામ્યકક્ષાએ અનેક નાગરીકોનું જીવનધોરણ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)થી ઊંચુ આવ્યું છે. ખાસ કરીને જે નાગરિકો ભૂંગામાં, ઝૂંપડા કે કાચા મકાનમાં રહેતા હતા તેઓને પાકા મકાન નસીબ થતા કુદરતી અને સામાજિક મુશ્કેલીઓથી રાહત મળી છે.
કચ્છની વાત કરીએ તો દરેક તાલુકાના ગ્રામીણ નાગરિકો આ યોજનાથી લાભાન્વિત થયા છે. ભુજ તાલુકાના ખારી ગામના પરમબાઈ શુક્રિયાની જિંદગીમાં આ યોજનાના લીધે પરિવર્તન આવ્યું છે. ભૂંગાના બદલે તેઓને હવે પાકું આવાસ પ્રાપ્ત થતા આખા પરિવારની ખુશીનો પાર રહ્યો નથી. વિધવા પરમબાઈ જણાવે છે કે, મારા પતિના અવસાન બાદ ત્રણ બાળકોની જવાબદારી મારા શિરે છે, આવામાં મારા પુરા જીવનમાં આટલું સરસ ઘર ના બનાવી શકી હોત. પાકા મકાનની આશા અમારા માટે માત્ર કલ્પના હતી. જોકે, વડાપ્રધાનશ્રીની આ યોજના થકી અમારૂ સપનું સાકાર થયું છે. આવાસને કારણે મારા પરિવારને કુદરતી અને અન્ય સમસ્યાઓથી રાહત મળી છે.
જ્યારે ભુજ તાલુકાના નાના થરાવડા ગામના ગંગાબેન નારણભાઈ મહેશ્વરી જણાવે છે કે, હું બાંધણા બાંધી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી પાસે આવકનો કોઈ મોટો સ્ત્રોત નથી. આ યોજના હેઠળ લાભ મળ્યા પહેલા હું ઝુંપડામાં રહેતી હતી. પરંતુ આ આવાસ યોજનાના લાભથી મારી જિંદગી બદલાઈ ગઈ છે અને મારી મુસીબતનો અંત આવ્યો છે. ઉપરાંત, ગામમાં પાકું મકાન મળવાથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહ્યું છે. આ યોજનાથી જ અમારું તથા અમારા બાળકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ શક્યું છે.
ભુજ તાલુકાના કુનરીયા ગામના સુમરા જલાલ હાસમે પાકું આવાસ મળ્યાની ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, મજૂરીકામ કરીને હું પેટીયું રળુ છું. પરિવાર સહિત હું કાચા મકાનમાં રહેતો હતો. પરિણામે ઋતુગત સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જોકે, આ યોજનામાં મારું મકાન મંજૂર થયું અને પ્રથમ હપ્તાના રૂ.૩૦,૦૦૦/ જમા થતાં મે માત્ર ૩ માસમાં મારું મકાન પુર્ણ કર્યું જેથી બીજા હપ્તામાં રૂ.૨૦,૦૦૦ મળ્યા હતા. આ નાણા મને મનરેગા જોબકાર્ડથી સીધા મારા ખાતામાં જમા થયા હતા. હાલ હું મારા પરિવાર સાથે નવા મકાનમાં રહેવા લાગ્યો છું. હું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો દિલથી આભાર માનું છું.
જ્યારે અબડાસા તાલુકાના તેરા ગામના દયારામભાઇ મંગલ જણાવે છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવાથી પાકું મકાન બનાવવાની ક્ષમતા ન હતી. અગાઉ કાચા મકાનમાં રહેતા હોવાથી ખાસ કરીને ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો. પરંતુ, પાકા મકાનનો લાભ મળતા હવે મોટી રાહત પ્રાપ્ત થઈ છે. અગાઉ કરતા ખૂબ જ સુખ-શાંતિભર્યું જીવન બન્યું છે.
જિજ્ઞા વરસાણી
