ગાંધીધામ રેલ્વે બ્રીજ નજીક સિટી ટ્રાફિક પોલીસ ચોકી સામે જ ભર બપોરે છરીની અણીએ 24 હજારની લૂંટ

ગાંધીધામ રેલ્વે બ્રીજ નજીક સીટી ટ્રાફિક પોલીસ ચોકી સામે ગત ભર બપોરે ત્રણ જણા યુવકનો હાથ ખેંચી દૂર લઇ જઇ છરી ગળે રાખી રૂ.24 હજારની લૂ઼ટને અંજામ આપી હોવાની ઘટનાથી પોતાના બીમાર પિતાને મળવા કંપનીના મેનેજર પાસેથી રૂપિયા લઇ વતન જતો પરપ્રાંતિય યુવાન નિરાધાર થયો હોવાની ઘટના બનવા પામી હતી.

મુળ મધ્યપ્રદેશના ચીલારી ગામનો 19 વર્ષીય બચુભાઇ શંભુભાઇ ભંડોલ કૌલ અંજારના ભીમાસર પાસે આવેલી રામા સિલિન્ડર કંપનીમાં મજૂરી કામ કરે છે. ગત સવારે તેમના વતનથી માતાએ ફોન કરી પિતાની તબિયત સારી ન હોવાનું જણાવતાં તેઓ કંપનીના મેનેજર પાસેથી રૂ.12,000 રોકડ લઇ વરસાણા થઇ ગાંધીધામ દોઢ વાગ્યે પહોંચ્યા હતા.

સીટી ટ્રાફિક પોલીસ ચોકીની સામેના રોડ પર હતા તે દરમિયાન 30 થી 35 વર્ષીય લાગતા ત્રણ અજાણ્યા ઇસમો તેમનો હાથ પકડી થોડે દૂર લઇ ગયા હતા. ત્યારબાદ એક જણાએ છરી બતાવી ડરાવ્યો હતો અને બીજાએ ખિસ્સામાં રહેલા રૂ.12,000 રોકડા અને રૂ.12,000 ની કિંમતનો મોબાઇલ મળી કૂલ રૂ.24,000 ની લૂ઼ંટને અંજામ આપ્યા બાદ હિન્દીમાં તુ યહાં સે ભાગજા કહી ચાલ્યા ગયા હતા.

આ ઘટનાથી હેપટાયેલો 19 વર્ષીય આ યુવક રડવા લાગ્યો હતો કારણ કે બીમાર પિતા પાસે જવા કંપનીના મેનેજર પાસેથી 12 હજાર રોકડ લીધી તે તથા મોબાઇલ બન્ને છીનવાઇ જતાં નિરાધાર બન્યો હતો. રડી રહેલા આ યુવાનને જયભાઇ નામના  વ્યક્તિએ તેને સાંત્વના આપી હતી અને એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા લઇ ગયા હતા. પીએસઆઇ ડી.જી.પટેલે ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેલ્વે સ્ટેશનના ગેટ સામેથી લઇ બસ સ્ટેશન સુધીના સર્વિસ રોડ ઉપર અસામાજિક તત્વોનો રીતસરનો અડિંગો જામેલો રહે છે તેનું પ્રમાણ છે કે આ જગ્યાએ અગાઉ પણ ચીલ ઝડપ અને લૂંટના બનાવો બની ચૂક્યા છે. આ વિસ્તારમાં અંકુશ બેસાડતી કામગીરી કરાય તેવી માંગ ઉઠી છે કારણ કે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન હોવાને કારણે અનેક પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.

આજ સિટી ટ્રાફિક પોલીસ ચોકીની સામે રેલ્વે સ્ટેશન ગેટ સામેના બ્રીજ નીચે આજથી ચાર પાંચ મહિના અગાઉ અસામાજીક તત્વએ અહીં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મી ઉપર છરી ઉગામી હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પણ બની ચુકી છે. હવે જરૂર છે આવા તત્વોને દાબમાં લેવાની, એવી લોકમાંગા ઉઠી..આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી