વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતી મહિલા સહિત બે પકડાયા


બારડોલીના ખરવાસા ગામમાં રહેતા પ્રતિષ્ઠિત વેપારીનો ઉવા ગામે રહેતી યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. યુવતી અવારનવાર વેપારી પાસે પૈસાની જરૂરિયાત માટે બહાનાંઓ બતાવી પૈસા પડાવતી આવી હતી. આખર વેપારીએ પૈસા આપવાનું બંધ કરી દેતા યુવતીએ તેના મળતીયાઓ સાથે મળીને વેપારીને ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. યુવતીએ વેપારી સાથે માણેલી એકાંતની પળોનો વીડિયો ઉતાર્યો હોવાનું અને તે મોબાઇલ ખોવાઈ જવાનું વેપારીને જણાવ્યું હતું. ત્યાર પછી એક યુવાને વેપારીને ફોન કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા વેપારીએ 20 લાખથી વધુની રકમ તેને ચૂકવી હતી.
વારંવારની ધમકીઓથી કંટાળેલા વેપારીએ આખર પોલીસની મદદ લીધી હતી. બારડોલી રૂરલ પોલીસે આખી હકીકત જાણી બ્લેકમેલ કરી તોડ કરનાર ટોળકીના એક સ્ત્રી તથા એક પુરુષની અટક કરી છે. જ્યારે અન્ય પણ બેથી ત્રણ લોકો સંકડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીના ખરવાસા ગામે રહેતા નામી અને પ્રતિષ્ઠિત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી વિડીયો વાયરલ કરવા અથવા તો બદનામ કરવાના બહાને પૈસાનો તોડ કરવાની આ બીજી ઘટના બની હતી.
બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેતા વેપારીએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ઉવા ગામે રહેતી યુવતી સાથે તેનો થોડા વર્ષો પહેલા પ્રેમસબંધ હતો. કોઈક કારણસર બન્ને અલગ થયા હતા. થોડા સમય પહેલા ફરી યુવતીનો વેપારીને ફોન આવ્યો હતો. અને તેને પૈસાની જરૂર હોવાનું જણાવતા વેપારીએ ઘણી વખત યુવતીને મદદ પણ કરી હતી. આખર કાયમ અલગ અલગ બહાનાં બતાવી પૈસાની માંગણીઓ કરતી હોવાનું માલુમ પડતા વેપારીએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.
વેપારી પાસેથી પૈસાની આવક બંધ થતાં યુવતીએ તેના મળતીયાઓ સાથે મળી વેપારીને ખંખેરી લેવાનો પ્લાન બનાવ્યો હતો. યુવતીએ વેપારીને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધ દરમિયાન માણેલી એકાંતની પળોનાં વિડીયો મારા ફોનમાં છે અને જે ફોન ખોવાઈ ગયો છે. આ વાત થયાનાં બીજા જ દિવસે વેપારી પર એક યુવાનનો ફોન આવ્યો હતો. અને તેની પાસે વેપારી તેમજ પ્રિયંકાનો અસ્લીલ વિડીયો હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.
વેપારીએ 20 લાખથી વધુની રકમ આપ્યા બાદ વેપારીએ થાકીને પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો. તેણે બારડોલી રૂરલ પોલીસ મથકે પોતાની આપવીતી સાથે ફરિયાદ અરજી આપતા પોલીસે બ્લેકમેલ કરી તોડ કરતી ટોળકી પૈકી યુવતી તેમજ બાબેનના સિદ્ધિ વિનાયક રેસિડનસીમાં રહેતો હર્ષલ ગણેશભાઈ પાટીલની અટક કરી. જ્યારે ટોળકીના હજુ પણ બે થી ત્રણ સાગરીતો ફરાર હોઈ જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.