કચ્છમાં 39305 લમ્પીગ્રસ્ત પશુઓને સારવાર અપવામાં આવી

કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝ રોગને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા પંચાયત સ્થિત નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને હજુ ચાલુ છે, જેથી હજી સુધી 39305 લમ્પીગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી અને 4.30 લાખ ગૌવંશનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું. તેવો દાવો અખબારી યાદીમાં કરવામાં આવ્યો.

જિલ્લા વહીવટી તંત્રના દાવામાં વધુમાં જણાવવામાં આવ્યું કે, શરૂઆતમાં સ્થાનિકની ટીમો તેમજ ડી.એમ.એફ. યોજનાના સ્ટાફ દ્વારા અને ત્યાર પછી જીલ્લા બહારથી ફાળવવામાં આવેલી વધુ ટીમો દ્વારા દૈનિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લેવામાં આવી હતી. જે દરમિયાન પશુ સારવાર, રસીકરણ અને સર્વેક્ષણ કામગીરી ચાલાવાઈ હતી, જેથી જિલ્લાનાં તમામ વિસ્તારોમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો. હવે લમ્પીને કારણે જિલ્લામાં પશુ મરણનાં પ્રમાણમાં વધારો થવાની સંભાવના નહિવત છે.