હાજર થવા ફરમાન પણ, 581 આરોગ્ય કર્મીઓનો: ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં નો સૂર

રાજ્ય સરકાર સંપૂર્ણ માગણીઓ નહીં સ્વીકારે અને તેનો વિધિવત ઠરાવ નહીં કરે ત્યાં સુધી કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સેવાના 581 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે તેવો નિર્ધાર ભુજ હિલ હાર્ડન મધ્યે જિલ્લાભરમાંથી ઉમટી આવેલા કર્મચારીઓ સમક્ષ મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ વ્યક્ત કર્યો હતો. મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલાએ ગાંધીનગર મધ્યે હળતાલના અનુભવો રજૂ કર્યા.

હડતાલને તોડી પાડવા માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એપીડેમીક ડિસીઝ એક્ટ અંતર્ગત હડતાલ ઉપરના કર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાના આદેશો કર્યા. જો કે હડતાલ ઉપરના કર્મચારીઓ પર એક્શન લેવાને બદલે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એવો સુર વ્યક્ત કરવામાં આવ્યો.

આ દરમિયાન સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના પગાર કાપી લેવાની ધમકી આપવામાં આવી છે. જેથી કર્મચારીઓ દ્વિધામાં મુકયા છે કે, તેમની સેલેરી કેટલી આવશે ? કારણ કે હડતાલ 8 તારીખથી શરૂ થઈ અને તેમાં ઘણાએ સીએલ પણ મૂકી . હવે મહિનો થઈ જતા પગારની તારીખો આવી ગઈ છે તો સેલેરી કપાઈ જશે કે કેમ ? તે પ્રશ્ન.