મુન્દ્રાના લૂણીમાં 2.25 લાખની અંગ્રેજી દારૂની 600 બોટલ સાથે બુટલેગર પકડાયો

મુન્દ્રા તાલુકાના લૂણી ખાતે મધરાત્રે જિલ્લાની ગુનાશોધક શાખાએ ત્રાટકી 2,24,520 ના દારૂની વિદેશી બ્રાન્ડ ની દેશી બનાવટની 600 બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી 5000ના મોબાઈલ સહિત 2,29,520 નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂ સપ્લાય કરનાર આરોપીનું નામ પણ ખુલતાં બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મળતી વિગતો અનુસાર ગત રાત્રે એલસીબીની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે લૂણી વાડી વિસ્તારમાં ત્રાટકી બંધ ઓરડીમાં છુપાવી રાખેલી દેશી બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 600 બોટલ કિંમત રૂ 2,24,520 સાથે બુટલેગર મેઘરાજ કરસન ગઢવી (ઉ.વ.50 રહે લૂણી વાડી વિસ્તાર-મુન્દ્રા)ને પકડી લીધો હતો.

અને તેની પાસેથી 5 હજારના મોબાઈલ સહિત 2,29,520 નો મુદામાલ કબ્જે કર્યા પછી પ્રયુક્તિ પૂર્વક પૂછતાછ હાથ ધરાઈ હતી.તે દરમ્યાન તેને દારૂનો જથ્થો કુમારસિંહ પ્રતાપસિંહ જાડેજા(રહે-ગુંદાલા)એ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતાં બંને વિરુદ્ધ પ્રોહિબિશન ની ધારા હેઠળ ગુનો દર્જ નોંધી ફરાર કુમારસિંહ ને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.