ઢોરીમાં યુવકને ફસાવી 93 હજારની માલમતાની લૂંટ ચલાવનારા 2ઈસમ ઝડપાયા


ભુજ તાલુકાના ઢોરી ગામમાં રહેતા યુવકને મળવા બોલાવી રાતના અંધારામાં 70 હજારની ચેઈન અને 23 હજારનો મોબાઈલ ફોન મળી 93 હજારની માલમતા લૂંટી લેવામાં આવી હતી. જે કેસમાં એલસીબીએ 2 ઈસમોની અટકાયત કરી છે. જોકે સ્ત્રીપાત્રની ભૂમિકા હજી સુધી સ્પષ્ટ થઈ નથી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઢોરીના ચતુર હરીભાઈ ગાગલ અને તેના સાગરીત વિજય વિનોદ રાણા (મૂળ રહે. જોધપુર, રાજસ્થાન. હાલે રહે. નવાગામ, ભચાઉ)ને પકડી પાડ્યા છે.બંને આરોપી આ ચેન વાણિયાવાડ બજારમાં વેચવા આવતા હોવાની બાતમીના આધારથી ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે,આરોપીએ યુવતીની મદદથી ગામના મનીષ રૂપાભાઈ ચાડને ફોન પર મેસેજ મોકલીને વાતોમાં ભોળવી દવાખાના પાસે ઝાડી-ઝાંખરાવાળી જગ્યામાં બોલાવ્યો હતો. આ સમયે યુવતી તો મળી નહીં પણ બે જણાએ આવીને ચેન અને મોબાઈલ લૂંટી લીધો હતો.
જેથી માધાપર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. આ ગુનામાં મુખ્ય આરોપી ચતુર છે અને તે ગામનો છે ઉપરાંત અજાણી યુવતી તેની સ્ત્રીમિત્ર હોવાનું સામે આવ્યું છે.એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમાએ જણાવ્યું કે, આરોપી પાસેથી સોનાની ચેઇન રિકવર કરી માધાપર પોલીસને કબ્જો આપવામાં આવ્યો. માધાપર પીઆઇ એ.જી.પરમારથી વાત કરતા તેમણે કહ્યું હતું કે તેમણે બંનેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઉપરાંત સ્ત્રીપાત્રની ભુમિકા અંગે પૂછપરછ કરી ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.